ભારત ૪ મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ રસીકરણ કરનારો દેશ બન્યો
નવીદિલ્હી, વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વારાફરતી એક પછી એક સીમાચિહ્નો પાર કરવાની આગેકૂચ જાળવી રાખી છે. નોંધપાત્ર સિદ્ધિરૂપે, ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી ૪ મિલિયન લોકોને કોવિડ-૧૯ વિરોધી રસી આપનારો દેશ બન્યો છે. દેશમાં માત્ર ૧૮ દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે.
૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભારત, કોવિડ-૧૯ વિરોધી રસી આપવામાં આવી હોય તેવા લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. ભારતે રસીકરણની આ કવાયત ઝડપી પગલે આગળ વધારવાનું ચાલુ રાખ્યું છે. કોવિડ-૧૯ સામે ભારતની જંગમાં અન્ય મોરચે પણ નવી સફળતાઓ પ્રાપ્ત થઇ રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, મણીપુર, પુડુચેરી, ગોવા, ઓડિશા અને આસામ છે.
કોવિડ-૧૯માંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં પણ નોંધનીય ઘટાડો થયો છે જેના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવાનું ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને ૧,૬૦,૦૫૭ થઇ ગઇ છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ૧.૫%થી ઓછી (હાલમાં ૧.૪૯%) સુધી ઘટી ગઇ છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ ૫,૭૧૬ નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમ ૧,૯૨૭ અને ૫૧૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૧૧૦ દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા દૈનિક મૃત્યુ આંકમાં ૬૬.૩૬% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ ૩૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે કેરળમાં વધુ ૧૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.HS