અભિનેતા સોનુ સૂદ નાલંદાના ખેલાડીની મદદે આવ્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ બિહારના લોકોની મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. જેના કારણે બિહારમાં તેના અઢળક પ્રશંસક છે. દરેક સમયે ગરીબોની મદદ કરીને આશીર્વાદ લેવામાં અવ્વલ રહેતા સોનુ સૂદની દરિયાદિલીથી હવે નાલંદા જિલ્લાનો એક ખેલાડી પોતાની ઈચ્છા પૂરી કરી શકશે.
સોનુ સૂદે બિહારના ટ્રિપલ જમ્પ એથ્લીટને ફ્રીમાં ઘૂંટણનું ઓપરેશન કરાવવાની વ્યવસ્થા કરી આપી છે. નાલંદા જિલ્લાના નૂરસરાય બ્લોકના પેપરનૌસા ગામમાં રહેતા વરૂણ વિક્રમ સોનભદ્રના પુત્ર આનંદ કુમારે ગત ૨૦ જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને ટિ્વટ કર્યું હતું કે, પ્રેક્ટિસ દરમિયાન મારા ઘૂંટણના હાડકાને નુકસાન થયું છે.
સાહેબ…મારા પિતા પાસે સર્જરી કરવા માટે પૂરતા પૈસા નથી. સર, હું રમવા માંગુ છું અને ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લહેરાવતો જાેવાનું મારું અને મારા પિતાનું સપનું છે. આનંદ કુમારના ટ્વીટના જવાબમાં ૨૭ જાન્યુઆરીના રોજ બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે તમે હિંદુસ્તાનનો ઝંડો ઓલિમ્પિક્સમાં જરુર લહેરાવશો.
તમારી સર્જરી ૩૦ જાન્યુઆરીના રોજ ગાઝિયાબાદના ઈન્દ્રાપુરમના હીલિંગ ટ્રી હોસ્પિટલમાં ડોક્ટર અખિલેશ યાદવ કરશે. ઘૂંટણના સફળ ઓપરેશન છી આજે આનંદે વિડીયો પોસ્ટ કરીને બોલિવૂડ એક્ટર સોનુ સૂદ અને ડોક્ટર અખિલેશને પોતાના તરફથી ધન્યવાદ આપતા તેમના પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે.
વિડીયોમાં તેમણે કહ્યું છે કે સર, હું તમારા સપનાને જરુર પૂરા કરીશ. ટ્રિપલ જમ્પના એથલીટ આનંદે જણાવ્યું કે ઘૂંટણના ઓપરેશનમાં ઓછામાં ઓછો એક લાખ રુપિયાનો ખર્ચ આવે છે. આ ઉપરાંત અન્ય ખર્ચનો પણ સમાવેશ થાય છે. જાેકે, અહીં તેને એકપણ રુપિયો ખર્ચ કરવો પડ્યો નહોતો. બધું જ મફતમાં થયુ હતું. ડોક્ટરે પણ આનંદને જણાવ્યું કે આઠ મહિના પછી તેઓ ફરીથી જમ્પ કરી શકશે.