ગુજરાતમાં AAP અને AIMIMના આગમનથી નવા સમીકરણો રચાશે
ગુજરાતમાં ચુંટણીનો માહોલ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
શહેરી વિસ્તારમાં ભાજપ પ્રભુત્વ જાળવી રાખવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પક્કડ મજબુત બનાવવા એડી ચોટીનું જાેર લગાવશે: કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત રહેતા ઉમેદવારોની પસંદગીમાં ભારે ખેંચતાણ: રાજયના દરેક ગામડાઓ અને શહેરોને આવરી લેતી આ ચુંટણીઓમાં રાજકીય નેતાઓના પણ ભાવિ ઘડાશે: ભાજપે ઘડેલી નવી નીતિ પ્રમાણે યુવાનોમાં ભારે ઉત્સાહ જયારે કોંગ્રેસમાં યુવાનોને ટિકિટ આપવા માટે થઈ રહેલા દેખાવો |
લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચુંટણી પ્રક્રિયા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા સ્થાને આવેલા ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હાલમાં ગુજરાતમાં જાેવા મળી રહયો છે.
રાજયની તમામ મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓ જાહેર થતાં જ મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચુંટણી પ્રક્રિયામાં વ્યસ્ત જાેવા મળી રહયા છે.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની આઠ જેટલી બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી આ કોંગ્રેસ માટે ખુબ જ બોધપાઠ સમાન ચુંટણી હતી તેમ છતાં કોંગ્રેસના મોવડી મંડળે પ્રદેશ નેતાઓ ઉપર વધુ એક અને અંતિમ વખત ભરોસો મુકી પ્રદેશ નેતાગીરીને સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીમાં કોંગ્રેસને વધુ સસ્થાઓમાં સત્તા મળે તેવો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ચુંટણી પ્રદેશ કોંગ્રસના કેટલાક નેતાઓનું ભાવિ ઘડશે.
કોંગ્રેસે સૌ પ્રથમવાર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરતા જ આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. રાજકોટ, અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની પ્રક્રિયા દરમિયાન દેખાવો શરૂ થઈ ગયા છે આ ઉપરાંત યુવા કાર્યકરોએ પણ પ્રદેશ નેતાગીરી સમક્ષ યુવાનોને ટિકિટ આપવાની ઉગ્ર રજુઆતો કરી છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે સ્થાનિક નેતાઓ પાસેથી ચુંટાઈ શકે તેવા ઉમેદવારોના નામો મંગાવી તેના ઉપર મંથન કરી યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયા છે પરંતુ નેતાઓ વચ્ચેની જુથબંધીના કારણે આ પ્રક્રિયામાં ભારે વિક્ષેપ પડી રહયો છે.
અનેક સ્થળો પર પેનલોમાં પણ નામ નહી હોવાથી સ્થાનિક કાર્યકરોમાં પોતાના ઉમેદવારને લઈ ભારે રોષ જાેવા મળી રહયો છે. આમ કોંગ્રેસમાં ચુંટણી આવતા જ ફરી એક વખત આંતરિક જુથબંધી સપાટી પર આવી ગઈ છે. જાેકે આ પરિસ્થિતિમાં પણ પ્રદેશ નેતાઓએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તમામ વિરોધોને ફગાવી દઈ યથાવત રાખતા ભાજપ કરતા પહેલા મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરતા સૌને ચોંકાવી દીધા છે.
કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં યુવાનોને તથા તમામ સમાજના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના પરિણામે યુવા કાર્યકરોમાં ફરી એક વખત ઉત્સાહ જાેવા મળી રહયો છે. પરંતુ ચુંટણી દરમિયાન આંતરિક જુથબંધી પરિણામો ઉપર અસર પાડશે તેવુ સ્પષ્ટપણે રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. મહાનગર પાલિકાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખુબ જ જટિલ છે.
કોંગ્રેસે ચુંટાઈ શકે તેવા ઉમેદવારો માટે જ અભિપ્રાયો મંગાવ્યા બાદ તથા સ્થાનિક નેતાઓની સંમતિ લઈ ઉમેદવારો પસંદ કર્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ કેટલાક સ્થળો પર સ્થાનિક નેતાઓજ ઉમેદવારોની પસંદગી સામે નારાજગી વ્યકત કરી રહયા છે.
અમદાવાદ શહેરમાં પણ આજ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીમાં વધુને વધુ સારો દેખાવ કરી પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કોંગ્રેસના નેતાઓ મરણિયો જંગ ખેલશે તેવું સ્પષ્ટપણે મનાઈ રહયું છે. પરંતુ આ જંગ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી ખુબ જ જરૂરી છે તે બાબત પ્રદેશ નેતાઓએ વિચારવી પડશે.
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને તબક્કાવાર એક પછી એક લીસ્ટ બહાર પાડવામાં આવી રહયું છે આ લીસ્ટમાં જાહેર કરાયેલા ઉમેદવારોના નામો ને સ્થાનિક કક્ષાએ આવકાર પણ મળી રહયો છે જયારે કેટલાક સ્થળો પર તેનો વિરોધ પણ થઈ રહયો છે.
હાલમાં પ્રદેશ નેતાગીરી માત્ર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત છે અને તમામ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
બીજીબાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં હાલ વ્યસ્ત છે પ્રદેશ ભાજપના નિમાયેલા પ્રમુખ સી.આર. પાટીલે ઘણા સમયથી રાજયભરમાં પ્રવાસ કરી ચુંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી મહત્વપૂર્ણ બાબત એ છ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે
જેમાં ૬૦થી વધુ ઉંમરના તથા ત્રણ ટર્મથી વધુ ટર્મ ચુંટાયેલા હોય તેવા આગેવાનોને ટિકિટ નહી આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયના કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં થોડી નારાજગી જાેવા મળી રહી છે પરંતુ તમામ યુવાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે અનેક બેઠકો પરથી હવે નવા ચહેરાઓને તક મળશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઘણા સમય પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી અને આ માટે સ્થાનિક કક્ષાએથી નેતાઓને બોલાવી તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ તમામ પ્રક્રિયા બાદ ભાજપે પેનલો બનાવી હતી અને આ પેનલોમાંથી આખરે સીગલ નામની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી એક બે દિવસમાં જ તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરી વિસ્તારમાં પોતાની પકકડ વધુ મજબુત બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.
ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે. આ અંગેના સર્વેમાં બહાર આવેલી વિગતોના આધારે ભાજપના તમામ પ્રદેશ નેતાઓએ સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રદેશ પ્રમુખ પાટીલ પોતાની આગેવાનીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત બેઠકો યોજી રહયા હતાં અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય હરીફ પક્ષો માનવામાં આવી રહયા છે અને આ બંને પક્ષો વચ્ચે જ જંગ ખેલાવાનો છે પરંતુ આ વખતની ચુંટણીમાં અન્ય બે પક્ષોએ પણ ઝંપલાવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા રાજયમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આપ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શહેરી વિસ્તારોમાં કેટલાક કાર્યક્રમો યોજવામાં આવી રહયા હતા જેના પરથી સ્પષ્ટ મનાતુ હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહયું છે.
મહાનગર પાલિકાની ચુંટણીઓમાં આપ ઉમેદવારો ઉભા રાખશે તે સ્પષ્ટ બાબત છે આ ઉપરાંત ઔવેસીની પાર્ટી પણ ગુજરાતમાં ઝંપલાવી રહી છે અને તેણે પ્રદેશ સંગઠનની તૈયારીઓ શરૂ કરી શહેરી વિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખવાની પ્રક્રિયા આરંભી દીધી છે.
ઔવેસીની પાર્ટીના કારણે કોંગ્રેસની વોટ બેંક પર ચોક્કસ અસર થશે તેવુ સ્પષ્ટપણે માનવામાં આવી રહયું છે.
ઔવેસીના આગમન સાથે જ કોંગ્રેસના નેતાઓમાં દોડધામ મચી ગઈ છે અને પોતાની બેઠકો જાળવી રાખવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ઔવેસીની પાર્ટી દ્વારા ઉમેદવારો ઉભા રાખવા માટે મક્કમ છે.
આ ઉપરાંત પ્રદેશ સંગઠનમાં પણ કેટલાક મહત્વપૂર્ણ નેતાઓને સ્થાન આપવામાં આવતા કોંગ્રેસે શહેરી વિસ્તારો પર પોતાની બેઠકો બચાવવા માટે વિશેષ કામગીરી કરવી પડશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. જાેકે આ પ્રક્રિયાથી ભાજપને સ્પષ્ટ ફાયદો થશે તેવુ માનવામાં આવી રહયું છે પરંતુ આપ ના કારણે ભાજપને નુકસાન પણ થઈ શકે તેમ છે.