દેશમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૭૧૩ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, એક તરફ દેશમાં કોરોના વાયરસના ખાત્મા માટે રસીકરણ શરૂ થયું છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૧૧,૭૧૩ કેસ નોંધાયા છે. જેની સામે દેશમાં ૧૪,૪૮૮ લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ આંક ૧,૦૮,૧૪,૩૦૪ થયો છે. જ્યારે ૧,૦૫,૧૦,૭૯૬ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હાલ કોરોનાના ૧,૪૮,૫૯૦ સક્રિય કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૯૫ લોકોનાં મોત થયા છે. આ સાથે જ મોતની કુલ સંખ્યા ૧,૫૪,૯૧૮ પર પહોંચી છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી ૧.૪ ટકા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૨ ટકા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો શુક્રવારે ૪,૫૭,૪૦૪ લોકોની વેક્સીન આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કુલ ૫૪,૧૬,૮૪૯ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
કોરોનાના ટેસ્ટની વાત કરવામાં આવે તો પાંચમી ફેબ્રુઆરીના રોજ દેશમાં કોરોનાના ૭,૪૦,૭૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ ૨૦,૦૬,૭૨,૫૮૯ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૪૦ મોત નોંધાયા છે, જ્યારે કેરલમાં ૧૯ લોકોનાં મોત થયા છે. આ બંને રાજ્યને બાદ કરતા એક પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧૦ કરતા વધારે મોત નોંધાયા નથી.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬૭ કેસ નોંધાયા છે. જેની સામે ૪૨૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪,૩૯૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૩૨ ટકા છે.
અત્યાર સુધીમાં કુલ ૪,૯૦,૧૯૨ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૪૫, સુરતમાં ૫૧, વડોદરામાં ૮૨, રાજકોટમાં ૩૧, નર્મદામાં ૯, ગાંધીનગર, જામનગરમાં ૭-૭, ભાવનગર, કચ્છ, જૂનાગઢમાં ૫-૫ સહિત કુલ ૨૬૭ કેસ નોંધાયા છે.રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે, જે અમદાવાદનો છે.HS