ધનસુરા પોલીસે ઈલેક્ટ્રોનિક્સ શો-રૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે ચોરને દબોચ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: એક વર્ષ અગાઉ ધનસુરા શહેરમાં બજારમાં આવેલ ઇલોક્ટ્રોનિક્સના શો-રૂમમાં ઇલેક્ટ્રિકલ માલસામાનની ચોરી કરનાર ધનસુરાના બે યુવકોને ચોરીના ગુન્હામાં ઝડપી પાડી ચોરી કરેલ મુદ્દામાલ રીકવર કરી એક વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી પેરોલ ફર્લો ટીમે મર્ડરના ગુન્હાના પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા અને વચગાળા જામીન પર છૂટી નાસતા-ફરતા આરોપીને રાજેન્દ્રનગર ચોકડી નજીક ખાનગી વાહનમાંથી દબોચી લઇ પરત જેલમાં ધકેલી દીધો હતો
ધનસુરા પીએસઆઈ બી.એસ.ચૌહાણ અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ધનસુરા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા મનીષ પ્રવીણભાઈ વાળંદ અને વિક્રમ દીપકભાઈ રાવળ નામના બેયુવકો શંકાસ્પદ જણાતા અટકાવ્યા હતા.
તેમની આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓએ એક વર્ષ અગાઉ ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં ઉપરના ભાગેથી પતરું કાપી દુકાનમાં ઉતરી દુકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલી લીધી હતી.
પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરી બંને ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ધનસુરા નગરમાં ચોરીની ઘટનામાં ગામના જ બે યુવાનોએ અંજામ આપ્યો હોવાની વાત બહાર આવતા બંને ઘરફોડ ચોર યુવકો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસસ્ટેશન હદ વિસ્તારમાં ખૂન ગુન્હાના આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને વચગાળાના જામીન પર છૂટી નાસતા ફરતા જગતસિંહ પુજેસિંહ પરમાર (રહે,રામપુર-ધનસુરા) ને બાતમીના આધારે રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા રાજેન્દ્ર નગર ચોકડી નજીક પેરોલ ફર્લો ટીમે વોચ ગોઠવી મર્ડરના ગુન્હાના આરોપીને દબોચી લઈ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો