વિજય રૂપાણી સહિત ભાજપના ત્રણ નેતાઓ કોરોના પોઝિટિવ
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે રવિવારે વડોદરા શહેર ખાતે એક સભા દરમિયાન તેઓ ચાલુ ભાષણમાં ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં તેમના તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા હતા. આ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. આજે એટલે કે સોમવારે સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજય રૂપાણી ઉપરાંત બીજેપી સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને કચ્છ બેઠક પરથી બીજેપીના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ યુ.એન. મહેતા હૉસ્પિટલ ખાતે જ સારવાર હેઠળ રહેશે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને નિયમ પ્રમાણે રિપોર્ટ કરાવવાની તેમજ રિપોર્ટ પોઝિટિવ આવે તો હોમ આઈસોલેટ અને જરૂર પડે તો હૉસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપવામાં આવી છે.
રૂપાણીને કોરોનાના સામાન્ય લક્ષણો છે. આ ઉપરાંત ગઈકાલની ઘટના બાદ તેમના તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જે તમામ સામાન્ય આવ્યા છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઑક્સિજન સ્તર પણ સામાન્ય છે. હાલ હૉસ્પિટલની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.૨૮મી ફેબ્રુઆરી સુધી વિજય રૂપાણીના તમામ જાહેર કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએમ નિવાસસ્થાને કોઈ નવા વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે. સીએમના તમામ સુરક્ષાકર્મીઓનો કોરોના ટેસ્ટ થશે. સીએમ નિવાસસ્થાનને સેનિટાઇઝ કરવામાં આવશે. તેમના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ કાર્યાલયને પણ સેનિટાઇઝ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સીએમ નિવાસ્થાન અને કાર્યાલય ખાતેના કર્મચારીઓ સેલ્ફ ક્વૉરન્ટીન થશે.
દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.
રૂપાણી સંક્રમિત થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. અમિત શાહે ટિ્વટ કરીને લખ્યું છે કે રૂપાણીના કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુનઃ જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.”