Western Times News

Gujarati News

ઇતિહાસ લખનારાઓએ ઇતિહાસ સર્જનારાઓ સાથે કરેલા અન્યાયને હવે સુધારવામાં આવી રહ્યો છે: પ્રધાનમંત્રી

મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ – ભારતીયતાના સંરક્ષણ માટે મહારાજા સુહેલદેવે આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય નહીં: પ્રધાનમંત્રી 

‘Indian history was written by colonisers or their slaves, it is being undone now’: PM Modi inaugurates Maharaja Suheldev Memorial UP

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ એ માત્ર બ્રિટિશ રાજ અથવા બ્રિટિશ રાજની માનસકિતા ધરાવનારા લોકો દ્વારા લખવામાં આવ્યો એટલો જ નથી. ભારતનો ઇતિહાસ એ છે જેનું સામાન્ય લોકો દ્વારા તેમની લોકકથાઓમાં જતન કરવામાં આવ્યું છે અને પેઢી દર પેઢી તેને આગળ વધારવામાં આવ્યો છે.

તેમણે એ તથ્ય પર પ્રકાશ પાડ્યો હતો કે, જે લોકોએ ભારત અને ભારતીયતા માટે પોતાના સર્વસ્વનું બલિદાન આપી દીધું તેમને પૂરતું મહત્વ આપવામાં આવ્યું જ નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ લખનારાઓએ ભારતનો ઇતિહાસ રચનારાઓ સાથે કરેલી આ ગેરરીતિ અને અન્યાયને હવે સુધારવામાં આવી રહ્યાં છે અને આપણે સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશી ગયા છીએ ત્યારે આપણા રાષ્ટ્ર માટે તેમણે આપેલા યોગદાનને યાદ કરવાનું મહત્વ ઘણું વધી જાય છે.

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝે આપેલા યોગદાનની ઉજવણી લાલ કિલ્લાથી માંડીને આંદામાન અને નિકોબારના ટાપુઓ સુધી કરીને, સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને અને બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં પંચ તીર્થના વિકાસ દ્વારા દૃષ્ટાંત પૂરાં પાડ્યાં છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સવાલ કર્યો હતો કે, “એવી અસંખ્ય હસ્તીઓ છે જેમને એક યા બીજા કારણોસર ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આપણે ચૌરી ચૌરામાં બહાદુર લોકો સાથે જે કંઇ બન્યું તેને ક્યારેય ભૂલી શકીએ ખરાં?”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાજા સુહેલદેવે ભારતીયતાના સંરક્ષણ માટે આપેલા યોગદાનની પણ આવી જ રીતે અવગણના કરવામાં આવી છે. ભલે પાઠ્યપુસ્તકોમાં અવગણના કરવામાં આવી હોય તેમ છતાં, મહારાજા સુહેલદેવ અવધ, તરાઇ અને પૂર્વાંચલની લોકકથાઓના માધ્યમથી આજે પણ લોકોના દિલમાં જીવે છે. તેમણે મહારાજાના યોગદાનને એક સંવેદનશીલ અને વિકાસલક્ષી રાજા તરીકે યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, મહારાજા સુહેલદેવનું સ્મારક, આવનારી પેઢીઓને પ્રેરણા આપશે અને કહ્યું હતું કે, મેડિકલ કોલેજની સ્થાપના અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણની મદદથી આ મહત્વાકાંક્ષી જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં વસતા લોકોનું જીવન વધુ બહેતર બનશે. પ્રધાનમંત્રીએ બે વર્ષ પહેલા મહારાજા સુહેલદેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

શ્રી મોદીએ વસંત પંચમી નિમિત્તે લોકોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ વર્ષની વસંત ભારતમાં મહામારીના વિષાદને પાછળ રાખીને લોકો માટે નવી આશાનું કિરણ લઇને આવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, માતા સરસ્વતી ભારતમાં જ્ઞાન અને વિજ્ઞાનના રૂપમાં તેમની કૃપા વરસાવે અને સંશોધન તેમજ આવિષ્કાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા દરેક દેશવાસી પર સદાય તેમના આશીર્વાદ રહે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસ, આસ્થા અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા સ્મારકોનું નિર્માણ કરવા પાછળનું સૌથી મોટું લક્ષ્ય પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશ પર્યટન અને યાત્રાધામ બંને પ્રકારે સમૃદ્ધ છે અને તેની અપાર સંભાવનાઓ અહીં સમાયેલી છે.

રામાયણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ્સ, બૌદ્ધ સર્કિટ્સ વેગેરેનું નિર્માણ ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને બૌદ્ધ સાથે સંકળાયેલા સ્થળોએ કરવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તરપ્રદેશમાં અયોધ્યા, ચિત્રકૂટ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ખુશીનગર, શ્રાવસ્તી વગેરેને પર્યટનના ઉદ્દેશથી વિકસાવવામાં આવી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રયાસોની શરૂઆતથી હવે પરિણામો દેખાવા લાગ્યા છે અને ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ મહત્તમ પર્યટકો આકર્ષાઇ રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધુ વિદેશી પર્યટકો આકર્ષનારું રાજ્ય પણ બની ગયું છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉત્તરપ્રદેશમાં પર્યટકો માટે જરૂર હોય તેવી સુવિધા અને સવલતો ઉભી કરવાની સાથે સાથે અદ્યતન કનેક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યા હવાઇમથક અને ખુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથક ભવિષ્યમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પર્યટકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ઉત્તરપ્રદેશમાં એક ડઝન જેટલા નાના અને મોટા હવાઇમથકોનું કામ ચાલી રહ્યું છે અને તેમાંથી ઘણાં તો પૂર્વાંચલમાં જ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, બુંદેલખંડ એક્સપ્રેસ-વે, ગંગા એક્સપ્રેસ-વે, ગોરખપુર લિંક એક્સપ્રેસ-વે, બલ્લિઆ લિંક એક્સપ્રેસ-વે જેવા આધુનિક અને પહોળા માર્ગોનું સમગ્ર ઉત્તરપ્રદેશમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આધુનિક ઉત્તરપ્રદેશમાં અદ્યતન માળખાગત સુવિધાઓની શરૂઆત રૂપે આ કાર્યો થઇ રહ્યાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશ બે મોટા સમર્પિત ફ્રાઇટ કોરિડોરનું જંકશન છે. ઉત્તરપ્રદેશમાં અદ્યતન માળખાગત સુવિધાઓના નિર્માણથી ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગો સ્થાપિત કરવા માટે રોકાણકારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. આ સાથે, ઉદ્યોગો અને યુવાનો બંને માટે અહીં સારી તકોનું સર્જન થઇ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ સરકારે કોરોનાના કપરા સમયને જે પ્રકારે નિયંત્રણમાં લીધો તેની પ્રશંસા કરી હતી. તેમણે અન્ય રાજ્યોમાંથી અહીં પરત ફરેલા લોકોને રોજગારી પૂરી પાડવા બદલ પણ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં છેલ્લા 3-4 વર્ષમાં ઉત્તરપ્રદેશે ઘણું યોગદાન આપ્યું છે અને કોરોનાકાળમાં પણ તેમનું યોગદાન ઘણું સારું છે.

રાજ્ય સરકારના પ્રયાસોના કારણે પૂર્વાંચલમાં મેનિન્જાઇટીસની સમસ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં છેલ્લા છ વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 14થી વધીને 24 સુધી પહોંચી ગઇ છે. તેમજ, ગોરખપુર અને બરેલીમાં એઇમ્સનું કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત, 22 નવી મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વારાણસીમાં અદ્યતન કેન્સર હોસ્પિટલોની સુવિધાઓ પણ પૂર્વાંચલ પ્રદેશને આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે લોકોના ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચવા લાગશે ત્યારે આ પ્રકારે સંખ્યાબંધ બીમારીઓમાં ઘટાડો આવશે.

પ્રધાનમંત્રીએ ગોસ્વામી તુલસીદાસજીના રામચરિત માનસની ચોપાઇઓ સાથે પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું જેનો અર્થ એવો થાય છે કે, સાચા ઇરાદા સાથે અને ભગવાન શ્રી રામને હૃદયમાં રાખીને શરૂ કરવામાં આવેલા કોઇપણ કાર્યમાં સફળતા અચૂક મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.