અરમાન જૈનના નાણાંકીય વ્યવહારોની તપાસ કરાશે
મુંબઈ: કરીના કપૂર અને રણબીર કપૂરનો કઝિન અરમાન જૈન બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ઓફિસે પહોંચ્યો હતો. કથિત મની લોન્ડ્રિંગના કેસમાં તેને પૂછપરછ માટે બોલાવામાં આવ્યો હતો. એક કલાકની પૂછપરછ બાદ અરમાન મુંબઈ સ્થિત ઈડીની ઓફિસેથી નીકળ્યો હતો. ત્યારે હવે મળતી માહિતી મુજબ, ઈડી અરમાન જૈનના નાણાંકીય વ્યવહારોની તપાસ કરશે.
ઈડીના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર, મની લોન્ડ્રિંગ કેસમાં હવે અમે અરમાન જૈનના નાણાંકીય વ્યવહારોની તપાસ કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે, અરમાન જૈન ઈડીની ઓફિસની બહાર નીકળ્યો ત્યારે મીડિયાના કેમેરાથી બચતો જાેવા મળ્યો હતો.
અગાઉ પણ ઈડીએ અરમાનને સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે હાજર થયો નહોતો. સમન્સ પાઠવ્યું તે પહેલા ગત મંગળવારે (૯ ફેબ્રુઆરી)ના રોજ ઈડીના અધિકારીઓએ અરમાન જૈનના પેડર રોડ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. આ ઘરમાં અરમાન પોતાના મમ્મી રિમા જૈન, પિતા મનોજ જૈન, પત્ની અનિસા અને ભાઈ આદર જૈન સાથે રહે છે. જાે કે, એ જ દિવસે અરમાનના મામા રાજીવ કપૂરનું અવસાન થતાં અધિકારીઓએ તપાસ આટોપીને તેને અંતિમ સંસ્કારમાં જવા દેવાની પરવાનગી આપી હતી.
રિપોર્ટ પ્રમાણે, પ્રાઈવેટ કંપની ટોપ્સ ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગના કેસની તપાસ દરમિયાન અરમાનનું નામ ખુલ્યું હતું. અરમાનને આ કંપની તરફથી રૂપિયા મળ્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. અરમાન જૈન શિવસેનાના ધારાસભ્ય પ્રતાર સરનાઈકના દીકરા વિહંગનો ખાસ મિત્ર છે.
ત્યારે મની લોન્ડ્રિંગ કેસમાં વિહાંગની પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઋષિ-રણધીર કપૂરના બહેન રીમા જૈનના દીકરા અરમાને ૨૦૧૪માં ફિલ્મ ‘લેકર હમ દિવાના દિલ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જાે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ રહી હતી. ત્યારબાદ અરમાને કોઈ ફિલ્મ કરી નથી. અરમાને ૨૦૧૯માં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. ૨૦૨૧માં અરમાને નવી રેસ્ટોરાં શરૂ કરી છે.