દેશમાં વર્ષના અંતે કોરોનાની વેક્સિન બજારમાં આવી જશે
નવી દિલ્હી: દેશવ્યાપી કોરોના વેક્સીનેશન મિશન દરમિયાન અન્ય લોકો માટે વેક્સિન સપ્લાયને લઇને મહત્વના સમાચાર જાહેર કરાયા છે. એઈમ્સ દિલ્હીના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધી બજારમાં કોરોના વેક્સિન વેચાણ માટે આવી શકે એવી આશા છે. ગુલેરિયાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કોરોના વેક્સિન બજારમાં ત્યારે જ સપ્લાય થશે જ્યારે વેક્સીનેશનના પહેલા તબક્કામાં પ્રાઇમ ટાર્ગેટને પૂરો ન કરી લેવાય અને સપ્લાય-ડિમાન્ડમાં સમાનતા હશે.
બુધવારે કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધા પછી ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે હું સૌને કહેવા માંગુ છું કે, વેક્સિનથી ગભરાશો નહીં અને વેક્સિન લગાવી લો. દેશમાં હવે કોરોના સંક્રમણની પરિસ્થિતિ સામાન્ય થઇ ચૂકી છે. અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે અને એ જાળવી રાખવવા માટે વેક્સીનેશન કરાવવુ જરુરી છે. તેમનું કહેવુ હતું કે, દેશવાસીઓ સ્વદેશી વેક્સિન પર વિશ્વાસ રાખે. વેક્સીનેસનથી કોઇ તકલીફ નહીં થાય. તેમણે કોરોના
વેક્સિનને લઇને અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી.
ડો. રણદીપ ગુલેરિયાએ ૧૬ જાન્યુઆરી ૨૦૨૧એ એઈમ્સમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને ૨૮ દિવસ પછી બીજાે ડોઝ લીધા બાદ તેમણે આ વાત કહી હતી.
આ પહેલા નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે પણ એઈમ્સમાં સ્વદેશી કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો.