બે મહિલાઓએ પોતાને વૃદ્ધ બતાવીને વેક્સિન લઈ લીધી
ઓરલેન્ડો: વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ સામેની લડાઈને લઈ વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં લોકોને તબક્કાવાર રીતે રસી આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાના ઓરલેન્ડો શહેરમાં બે મહિલાઓએ પોતાને વૃદ્ધ તરીકે રજૂ કરીને વેક્સિનનો લાભ લઈ લીધો હતો. તેમની ચાલાકી સામે આવ્યા બાદ અધિકારીઓએ તેમને ચેતવણી આપીને છોડી મુક્યા હતા.
ઓરેન્જ કાઉન્ટીના રાજ્ય સ્વાસ્થ્ય અધિકારીના કહેવા પ્રમાણે બંને મહિલાઓ બુધવારે ટોપી, મોજા અને ચશ્મા વડે શરીરને ઢાંકીને પહોંચી ગઈ હતી. તેમણે વેક્સિનેશન માટેની નોંધણીમાં જન્મનું ખોટું વર્ષ રજૂ કરીને પહેલો ડોઝ પણ લઈ લીધો હતો.
બંને મહિલાઓની ઉંમર ક્રમશઃ ૩૫ અને ૪૫ વર્ષ છે. અમેરિકામાં વેક્સિનેશન માટે ૬૫ કે તેનાથી વધારે ઉંમરના લોકોને જ પ્રાથમિકતા અપાઈ રહી છે. ઓરેન્જ કાઉન્ટીના શેરિફ કાર્યાલય દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પ્રતિનિધિ કહે છે કે, “તમે જેમને તમારા કરતા વેક્સિનની ઘણી વધારે જરૂર છે તેમના પાસેથી તેની ચોરી કરી છે.” આ મહિલાઓને ચેતવણી આપવામાં આવી છે કે,
જાે તેઓ વેક્સિનેશન કે કોવિડ-૧૯ના પરીક્ષણ માટે કન્વેન્શન સેન્ટર જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આ મહિલાઓએ વેક્સિન ડોઝ ક્યાંથી લીધો અને તેઓ એપોઈન્ટમેન્ટ મેળવવામાં સફળ કઈ રીતે થયા તેની તપાસ કરવામાં આવી રહી છે.