યુવક પર હુમલો થતા અંગુઠો કપાઈને નીચે પડી ગયો
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીના કિસ્સા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. શહેરમાં સામાન્ય બોલાચાલીથી લઈને અંગત અદાવતમાં જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવી જ એક ગંભીર ઘટના બની છે. શહેર પોલીસ કમિશનરે હથિયારો બાબતે ચૂંટણી ને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે છતાંય બાપુનગરમાં જાહેરમાં તલવારો અને છરીઓ ઉછળતા એક વ્યક્તિના હાથમાં છરી વાગી જતા ડાબા હાથનો અંગુઠો કપાઈને છૂટો થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ લોહીમાં લથપથ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડીને પોલીસને જાણ કરી હતી.
બાપુનગર પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે બાપુનગર એસપી ઓફિસ પાછળ રહેતા રમજાન અન્સારી ફ્રૂટની લારી લઈને ઘરે એટલે કે એસપી ઓફિસ પાછળ જતા હતા. તેઓને મહોલ્લામાં રહેતા બાળકોએ જણાવ્યું કે તેમના દીકરાને કોઈએ હથિયારો વડે માર માર્યો છે. જેથી જઈને તપાસ કરી તો મહફુઝ મલેક, બલ્લુ ઉર્ફે સલમાન અને આસિફ નામના અસામાજિક તત્વોએ તેમના દીકરા સાથે જૂની કોઈ અદાવતમાં ઝઘડો કર્યો હતો.
ત્રણેય શખસોએ અફરોઝને જાહેરમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અફરોઝએ ગાળો ન બોલવા માટે જણાવતા આ ત્રણેય શખશો ઉશ્કેરાઈ ગયા અને તલવાર તથા છરી જેવા ઘાતક હથિયારો વડે અફરોઝ ઉપર તૂટી પડયા હતા. ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં અફરોઝને ડાબા હાથમાં છરીનો ઘા વાગી જતા તેનો અંગુઠો કપાઈને નીચે પડી ગયો હતો. હાથનો અંગુઠો કપાઈ જતા દર્દથી પીડાઈ રહેલા અફરોઝને આસપાસના લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ મામલે અફરોઝના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખશો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પૂર્વ વિસ્તારમાં આવા અનેક મારામારી ના બનાવો બન્યા હતા. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે જ ગુના નોંધાયા હતા.
એકતરફ ચૂંટણી પહેલા આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાની શહેર પોલીસ ગુલબાગો પોકારે છે ત્યાં ચૂંટણી ટાણે જ આવા ગંભીર બનાવોને અંજામ આપી ગુનેગાર ફરાર થઈ જાય છે છતાંય પોલીસ મુકપ્રેક્ષક બનીને માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સિવાય કંઈ કરી શકતી નથી.