પારિવારિક શુભપ્રસંગે પ્રત્યેક નાગરિક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે: રાજ્યપાલ
બોપલ-ઘુમા ખાતે વૃક્ષારોપણ કરતા રાજ્યપાલ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી છે કે, આપણે વર્ષગાંઠ, મેરેજ એનિવર્સરી કે અન્ય શુભ પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવી જોઈએ. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન સંસ્થા દ્વારા બોપલ-ઘુમા નગરપાલિકા મેદાનમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ નગરજનોને કહ્યું કે, આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે આપણે વૃક્ષારોપણ કરીને તેમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, વૃક્ષો આપણા જીવનદાતા છે કારણ કે આપણા જીવન માટે આવશ્યક હવાને તે શુદ્ધ રાખે છે. તેમણે ઉપસ્થિત શ્રોતાગણને અપીલ કરી હતી કે, પારિવારિક શુભપ્રસંગે પ્રત્યેક નાગરિક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગુજરાતની પાવન ધરતી પર થઈ રહેલા સમરસતા અને પ્રાકૃતિક ખેતી જેવા કામોમાં સહયોગી બનવાની પણ નેમ વ્યક્ત કરી હતી. રાજ્યપાલે સંસ્થાના સંચાલકોને એક લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી દિનેશભાઈ ગુપ્તાએ સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો. આ સંસ્થા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને મહિલા અને બાળ-કલ્યાણ મંત્રાલય સાથે સંયુક્ત રીતે કાર્યરત છે. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખશ્રી જિગિષાબહેન શાહ તથા નગરપાલિકાના પદાધિકારીઓ અને ક્રાઈમ એન્ડ કંટ્રોલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કલ્પેશભાઈ આચાર્ય તથા વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.