વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડવાના મુદ્દે યુવકને ફટકાર્યો
અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડવાના મુદ્દે યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઘોડાની બગી ચલાવનાર યુવકને વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડાવવા મુદ્દે તકરાર થઈ હતી. જેની અદાવત રાખીને યુવકોએ તેને દોડાવી-દોડાવીને માર માર્યો હતો.
સમગ્ર ઘટના અંગે બાપુનગર પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બાપુનગરમાં જજ સાહેબની ચાલીમાં રહેતો ૨૨ વર્ષીય હિતેશ પટણી ધોડા બગીની ગાડી ચલાવવાનું કામ કરે છે.
ગુરુવારે રાત્રે હિતેશ તેના શેઠ વિજય સોલંકી, કલ્પેશ પટણી, સંજય સોલકી, મિતેશ, મિતેશ દંતાની, કાલુ મારવાડી, ફેઝાન રજત અને આકાશ સાથે હતો. આ દરમિયાન હિતેશને કલ્પેશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે તું તેમની સાથે વરઘોડામાં નાચતો હતો ત્યાં યડ્ડાને તારી સાથે ઘોડી અડાવાની બાબતે બોલાચાલી થઈ હતી ને?
હવે આ બાબતે કઈ બોલીશ નહીં અને સમાધાન કરી લે. કલ્પેશભાઈના કહેવા પર હિતેશે સમાધાન કરવા માટે હા પાડી હતી અને થોડી વાર પછી ચડ્ડો પટણી અને રવિ લંગડો ત્યાં આવ્યા હતા અને સાથે ભપ્પુ અને રવિ પટણી પણ તેમની સાથે હતા. ચારેય જણા રિક્ષામાં લોખંડનો પાઈપ, સાંકળ અને ઘોડે બાંધવાનો ખિલ્લો જેવા હથિયારો સાથે લઈને આવ્યા હતા.