આદિવાસી વિસ્તારોમાં કમલમ ફળનું ઉત્પાદન થશે
અમદાવાદ, ચીન, થાઈલેન્ડ, વિયેતનામના પ્રચલિત ક્રેક્ટસ પ્રજાતિના ભારતીય કમલમ કચ્છ પછી હવે આદિવાસી વિસ્તારોમાં પણ ઉગાડાશે. ક્રેક્ટસ પ્રજાતિના અન્ય ફળ કરતા આ ફળની માગમાં વધારો થયો છે અને એટલે જ ભારતીય જ નહીં પણ ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પહેલાંના ડ્રેગન ફ્રૂટ અને અત્યારના ‘કમલમ’ ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે
તેમાં પણ ગુજરાત સરકારે ‘કમલમ’ ફ્રૂટની ખેતીના પ્રોત્સાહન માટે વિધાનસભામાં ખાસ જાેગવાઈ કરી છે. ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતલક્ષી ખાસ જાેગવાઈમાં ‘કમલમ’ ફ્રૂટની ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ સાથે જ પોતાની પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ ઝૂકી રહેતા ખેડૂતો માટે સારી આશા જાગી છે.
ગુજરાત સરકારે કેવડિયાની આસપાસ ૫૦ કિલોમીટરમાં ‘કમલમ’ફ્રૂટના બે લાખના વાવેતર માટે ૧૫ કરોડની જાેગવાઈ કરી છે. કચ્છના રેતાળ પ્રદેશમાં કરવામાં આવતી ખેતી હવે નર્મદાના કેવડિયાના આદિવાસી વિસ્તારોમાં કરવા પ્રોત્સહન અપાયું છે અને આ માટે રાજ્ય સરકારે ૧૫ કરોડની જાેગવાઈની જાહેરાત કરી છે.
અગાઉ પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રોપા લાવી ‘કમલમ’ ફ્રૂટનું વાવેતર કર્યું છે જેનો સારો અનુભવ અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહ્યો છે. ભારતમાં ઓછામાં ઓછું ૧૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થતું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અન્ય દેશોમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાતા ક્રેક્ટસ પ્રજાતિના ભારતીય નામકરણ વાળા ‘કમલમ’ ફ્રૂટનું મૂળ વતન મેક્સિકો છે.
તેનું સૌથી વધુ ઉત્પાદન ચીન, થાઈલેન્ડ અને વિયેતનામમાં થાય છે. પણ હવે ભારતીય ખેડૂતો પણ આ દિશામાં નવી પહેલ કરી રહ્યા છે સૌથી પહેલા કચ્છના રેતાળ પ્રદેશમાં ખારેકની ખેતીના સફળ પ્રયોગ પછી ડ્રેગન ફ્રૂટ એટલે કે ‘કમલમ’ ફ્રૂટનો પણ સફળ પ્રયોગ થયો હતો અને આ જ સફળ પ્રયોગે ગુજરાતના જામનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવેતર શરૂ કરાવ્યુ છે.