Western Times News

Gujarati News

શંકરભુવન ટ્રીટમેન્ટ પ્લાન્ટઃ દળી દળીને કુલડીમાં

પ્લાન્ટમાં ટ્રીટ કરેલા પાણીને ઈન્ટરસેપ્ટરના સુઅરેજ વૉટરમાં છોડવામાં આવે છેઃ પીરાણા ટીપીમાં દુષિત પાણી ફરી ટ્રીટ થાય છે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ધરોહર સાબરમતી નદીને દુષિત થતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાંટ આપી હતી. એક અંદાજ મજબ નદી શુધ્ધીકરણ માટે રૂાર૦૦ કરોડ કરતા પણ વધારે રકમ ખર્ચ થઈ ચુકી છે. તેમ છતાં નિશ્ચિત પરિણામ મળ્યા નથી. મહેસાણા ગરનાળા તરફથી નદીમાં જતા દુષિત પાણીને શુધ્ધ કરવા માટે ‘જલવિહાર’ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે એવી જ રીતે શંકરભુવન છાપરા વિસ્તારમાંથી નદીમાં ઠલવાતા દુષિત પાણીને રોકવા માટે રપ એમ.એલ.ડી. ક્ષમતાનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પ્લાન્ટ પણ ‘જલવિહાર’ ની માફક જ માત્ર કોન્ટ્રાક્ટરના લાભાર્થે જ તૈયાર કરવામાં આવ્યો હોય તેવી ચર્ચા પણ થઈ રહી છે. જેનુ મુખ્ય કારણ એ છે કે પ્લાન્ટમાં આવતા કેમિકલયુક્ત પાણીને ‘ઈન્ટરસેપ્ટર’ માં બાયપાસ કરવામાં આવ છે. જ્યારે સુઅરેજ વોટરને ટ્રીટ કરીને વધુ એક વખત ‘ઈન્ટરસેપ્ટર’ ના સુઅરેજ વૉટરમાં જ છોડવામાં આવી રહ્યુ છે.

કેન્દ્ર સરકારે એનઆરસીપી પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી શુધ્ધીકરણ માટે રૂા.૪૪૦ કરોડનો ડી.પી.આર. મંજુર કર્યો હતો. કેન્દ્ર સરકારની મંજુરી બાદ મનપા દ્વરા પૂર્વ તરફ પાંચ સ્થળે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જાહરાત કરવામાં આવી હતી. જેેમાં જલવિહાર, ડફનાળા, શંકરભુવન, કોતરપુર, પીરાણા તથા વાસણા મુખ્ય છે. જે પૈકી જલવિહાર અને શંકરભુવનના કામ પૂરા થઈ ગયા છે. તેમજ ટ્રાયલ રન પૂર્ણ થઈ તેના ઓપરેશન-મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બન્ને પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ રાજકમલ બિલ્ડર્સને આપવામાં આવ્યો છે. જલવિહાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટરની કામગીરી અત્યંત નબળી હોવા છતાં શંકરભુવનમાં કામ આપવામાં આવ્યુ છે.

જાે કે શંકરભુવન પ્લાન્ટમાં પણ અનેક ગેરરીતિઓ સામે આવી છે. શંકરભુવન પ્લાન્ટનું કામ પૂર્ણ થયા બાદ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. જે દરમ્યાન ટ્રીટ કરેલા પાણીને નદીમાં છોડવાના બદલે રીવરફ્રન્ટની ઈન્ટરસેપ્ટર લાઈનમાં છોડવામાં આવ્યુ હતુ. ટ્રાયલ રન પૂર્ણ થઈ ઓએચ આપ્યા બાદ પણ ઈન્ટરસેપ્ટર લાઈનમાં જ પાણી છોડવામાં આવી રહ્યુ છે. તંત્રએ શંકરભુવનના નાળામાંથી નદીમાં ઠલવાતા સુએરજ વૉટરને રોકવા માટે રપ અચ.એલ.ડી. ક્ષમતાનો પ્લાન્ટ બનાવ્યો છે. જેના ઓ.કે.એચ. પેટે કરોડો રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પ્લાન્ટમાં શુધ્ધ ટ્રીટ કરાયેલ પાણીને નદીમાં છોડવાના બદલે ‘ઈન્ટરસેપ્ટર’ લાઈનમાં જ ઠાલવવામાં આવે છે.રીવરફ્રન્ટની ઈન્ટરસેપ્ટર લાઈનમાં સુઅરેજ વૉટર જ આવે છે.

જેને આંબેડકર બ્રિજ પાસેના પંપીંગ સ્ટેશનમાં પમ્પ કરીને આગળ છોડવામાં આવે છે. જે પાણીને જુના પીરાણા સુએરજ પ્લાન્ટમાં ફરીથી ટ્રીટ થાય છે. આમ, દુષિત પાણીને નદીમાં રોકવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ શંકરભુવન પ્લાન્ટમાં ટ્રીટ કરેલ પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતુ નથી. પરંતુ સુઅરેજ વૉટરને શુધ્ધ કરીને ફરીથી ઈન્ટરસેપ્ટર લાઈનમાં સુઅરેજ વૉટર સાથે મીક્ષ કરવામાં આવે છે. જેને પપીંગ કરી ફરીથી પીરાણા ખાતે ટ્રીટ કરવામાં આવેે છે. મતલબ કે દુષિત પાણી બે વખત દુષિત થાય છે તથા બે વખત ટ્રીટ થાય છે. જાે આ પધ્ધતિથી જ કામ કરવાનંુ આયોજન હોય તો શંકરભુવન ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરીયાત રહેતી જ નથી. શંકરભુવન નાળામાંથી દુષિત પાણી ઈન્ટરસેપ્ટર લાઈન મારફતે પીરાણા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામા આવે તથા ત્યાં ટ્રીટ થાય તો શંકરભુવન પ્લાન્ટના ઓપરેશન-મેઈનટેનન્સનો ખર્ચની બચત થઈ શકે છે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.