Western Times News

Gujarati News

મધ્યઝોનમાં પણ ટેન્કર માફિયાઓ સક્રિયઃ ડ્રેનેજમાં ઠલવાઈ રહેલ કેમિકલયુક્ત પાણી

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએરેજ પ્લાન્ટ પાસે કેમિકલયુક્ત દુષિત પાણી છોડવાનો કાળો કારોબાર ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. લગભગ દોઢ વર્ષ અગાઉ તંત્ર દ્વારા ટેન્કર માફીયાઓને રોકવા માટે ખાસ સ્કવોડ બનાવવામાં આવી હતી. હાલ, આ સ્કવોડે કાગળ પર સીમિત છે. જયારે ટેન્કર માફીયાઓ બેરોકટોક કેમિકલના ગદા પાણી ઠાલવી રહ્યા છે. સાબરમતી નદી શુધ્ધીકરણ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા શંકરભુવન પ્લાન્ટ પાસે પણ દુધેશ્વર વિસ્તારમાંથી કેમિકલયુક્ત દુષિત પાણી પ્લાન્ટમાં આવી રહ્યા છે.

જે અંગે મધ્યઝોન ઈજનેર વિભાગ દ્વારા જવાબદાર ખાતાને લેખિત માહિતી આપવામાં આવી હતી. ઝોન ઈજનેરખાતાના પત્ર મુજબ ધોબીઘાટ પાસે આવેલા અજમેરી એસ્ટેટ-૧ અને ર, અમદાવાદ ઔદ્યોગિક વસાહત, રાજ ગોપાલ એસ્ટેટ, જનમાર્ગ કોરીડોર પાસેના મહાલક્ષ્મી એસ્ટેટ વિભાગ-૧ અને ર, દુધેશ્વર રોડ ઉપર નોબતસિંગ એસ્ટેટ ૧-ર તેમજ અજય એસ્ટેટ-૧ અને ર પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અજમેરી એસ્ટેટના સેમ્પલમાં બીઓડી ૧૧૪૦ તેમજ સીઓડી ૬.૦૯૯ રાજગોપાલ એસ્ટેટ પાસે બીઓડી-પ૦ર તથા સીઓડી ર૧૬૮ મહાલક્ષ્મી એસ્ટેટ પાસેના સેમ્પલમાં સીઓડી-૧૩૬૪ તથા અજય એસ્ટેટ પાસે સીઓડી-૭૪૬ હોવાની વિગતો બહાર આવી હતી.

મધ્ય ઝોનમાંથી કેમિકલયુક્ત પાણી આવ્યા હોય એવા કિસ્સા નોંધાયા નથી. પરંતુ શંકરભુવન ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયા બાદ કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યા છે.જાણકારોનું માનીએ તો કેમિકલ ટેન્કર માફિયાઓ દ્વારા અગાઉથી જ નક્કી કરવામાં આવ્યા અનુસાર પ્લાન્ટ પાસેના પ્લાન્ટમાં કેમિકલયુક્ત પાણી ખાલી થઈ રહ્યા છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટર આ પાણીને ટ્રીટ કરવાના બદલે તેને બાયપાસ કરી રહ્યા છે. તથા દુષિત રીવરફ્રન્ટ ઈન્ટરસેપ્ટર લાઈનમાં બાયપાસ થઈરહ્યુ છે. જે આંબેડકર બ્રિજ પાસેના પંપીંગ સ્ટેશન થઈ જૂના પીરાણા એલ.ટી.પી. પ્લાન્ટ જાય છે. મતલબ કે શંકરભુવનના કોન્ટ્રાક્ટર ઓએન્ડ એમ પેટે કરોડો રૂપિયા લઈ રહ્યા છે. જયારે કેમિકલયુક્ત પાણી અન્ય પ્લાન્ટમાં શુધ્ધ થઈ રહ્યા છે. જલવિહાર પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ પણ આ જ કોન્ટ્રાક્ટર પાસે છે. જેની નબળી કામગીરી છુપાવવા મેટ્રો ટ્રેનના કામને જવાબદાર જાહેર કરવામાં આવ્યુ હતુ. તથા ટ્રાયલ રનમાં ફેઈલ થયા બાદ આઈઆઈટીના રીપોર્ટને માન્ય ગણાવી ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.