રૂપિયા પડી ગયાનું જણાવી તસ્કરો મહીલાનું પાકીટ ઉઠાવી ફરાર
વડોદરાથી પાલડી આવેલી મહીલાના પર્સમાંથી રૂ.૧ લાખની ચોરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : વડોદરાથી આવેલી મહીલા પાલડી ખાતે પોતાની કારમાં બેઠી હતી એ સમયે આવેલા અજાણ્યા શખ્સે મહીલાને તમારા રૂપિયા પડી ગયા છે મહીલાની નજક ચુકવી તેનુ રૂપિયા ભરેલું પર્સ ચોરી લીધુ હતુ જેની ફરીયાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે દિપ્તીબેન ભટ્ટ, વડોદરા મથુરાનગરીની પાસે આવેલી અક્ષરઘધામ સોસાયટી ખાતે રહે છે અને એક લિમિટેડ કંપનીમાં કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે ગઈકાલે સવારે દિપ્તીબેન તેમની મિત્ર સ્નેહાબેન તથા ડ્રાઈવર રાજેન્દ્રભાઈ સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા.
અમદાવાદમાં પાલડી ખાતે આવેલી કેનેડા ઈમીગ્રેશનની ઓફીસમાં સ્નેહાબેન પોતાનો પાસપોર્ટ જમા કરાવવા ગયા હતા. દરમિયાન ડ્રાઈવર રાજેન્દ્રભાઈ પણ ચા પીવા જતાં દિપ્તીબેન ગાડીમાં એકલા બેઠા હતા એ વખતે આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે એક ર૦ થી રપ વર્ષનો છોકરો તેમની પાસે આવ્યો હતો અને તમારા રૂપિયા ગાડીની પાછળ પડયા છે એમ કહયું હતું.
જેથી દિપ્તીબહેન ગાડી બહાર નીકળ્યા હતા દરમ્યાન અજાણ્યા યુવાનની સાથે આવેલા શખ્સે કારમાંથી પાછળની સીટ પર મુકેલું દિપ્તીબહેનનું પર્સ ચોરી લીધુ હતું જેમાં રોકડા એક લાખ રૂપિયા તથા ડેબીટ કાર્ડ, ચેકબુક, ડ્રાઈવીંગ લાઈસન્સ સહીતના અન્ય દસ્તાવેજા હતા. બંને શખ્સો પર્સ ચોરીને પાલડી ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. પોતાના પર્સની ચોરી થયાની જાણ થતાં દિપ્તીબેન સ્નેહાબેન તથા રાજેન્દ્રભાઈ સાથે એલીસબ્રીજ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.