અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ડે. મેયર ગીતાબેન પટેલ
સ્ટેન્ડિીંગ કમિટીના ચેરમેન તરીકે હિતેષ બારોટ અને ભાજપના નેતા તરીકે સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટની પસંદગી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુધવાર ૧૦ માર્ચે પ્રથમ વખત સામાન્ય સભા મળશે જેમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટી સભ્યો તેમજ સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનના નામની વિધિવત જાહેરાત વિજેતા પાર્ટી ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કિરીટ પરમાર અને ડે. મેયર તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક થતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.
જ્યારે સ્ટેન્ડિીંગ કમિટીના ચેરમેન તરીકે હિતેષ બારોટ અને ભાજપના નેતા તરીકે સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય માટે પક્ષના આદેશ મુજબ ૧૭ કોર્પોરેટરોએ ફોર્મ ભર્યા હતા. જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્ટેન્ડીંગ સભ્યપદ માટે દાવેદારી કરવામાં આવી ન હતી.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જવલંત વિજય મળ્યા બાદ ભાજપા દ્વારા બુધવારે શહેરના પ્રથમ નાગરીકની જાહેરાત કરવામાં આવી હતી. મેયરના નામની સાથે- સાથે ડે. મેયર અને સબ કમીટી ચેરમેન અને સભ્યોના નામ પણ જાહેર થયા હતા. જયારે સ્ટેન્ડીંગ કમીટી માટે ભાજપા દ્વારા ૧૭ કોર્પોરેટરોને ફોર્મ ભરવા સુચના આપવામાં આવી હતી. જેમાં હિતેશ બારોટ, જૈનીક વકીલ, જતીન પટેલ, પરેશ પટેલ, શિતલબેન ડાગાના નામ મુખ્ય હતા.