Western Times News

Gujarati News

અમદાવાદ શહેરનો રળિયામણો રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો ?

અમદાવાદ: અમદાવાદ શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પણ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો છે. બ્રિજ પર જાળી બાંધ્યા બાદ હવે લોકો સુસાઇડ માટે વૉક વેનો ઉપયોગ કરી રહ્યા છે. આંકડાકીય માહિતી પ્રમાણે રિવરફ્રન્ટ પર દર ત્રણ દિવસે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. આખરે રિવરફ્રન્ટ પર એવા અનેક નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે.

આયેશા નામની યુવતીએ કરેલા આપઘાત બાદ હવે રિવરફ્રન્ટ વિસ્તાર ચર્ચાએ છે. સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો હોય તેવું કહેવું કદાચ ખોટું નથી. મળતી માહિતી પ્રમાણે દર વર્ષે ૧૪૨ જેટલા લોકો સુસાઇડ કરે છે. એવરેજ દર ૩ દિવસે એક સુસાઇડની ઘટના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બને છે. વર્ષ ૨૦૧૭માં ૨૯૦ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં ૨૧૭નાં મોત થયા અને ૭૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં ૧૫૧ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું જેમાં ૧૧૬નાં મોત થયા અને ૩૫ લોકોને બચાવી લેવાયા હતા.

જ્યારે વર્ષ ૨૦૧૯માં ૧૦૮ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં ૮૮ લોકોનાં મોત થયા અને ૨૦ લોકોનો બચાવ કરાયો હતો. વર્ષ ૨૦૨૦માં ૧૪૨ લોકોએ નદીમાં ઝંપલાવતા ૯૮નાં મોત થયા હતા, જ્યારે ૨૯ લોકોનો બચાવ થયો હતો. વર્ષ ૨૦૨૧માં ૧૬ લોકોએ નદીમાં ઝંપલાવતા, ૧૪નાં મોત અને એકનો બચાવ કરવામાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને સફળતા મળી હતી. આમ, પાંચ વર્ષમાં કુલ ૭૦૭ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ૫૩૩ લોકોનાં મોત થયા છે અને ૧૫૯ લોકોને બચાવી લેવાયા હતા. બ્રિજ પર જાળી લાગતા હવે લોકો સુસાઇડ માટે વૉક વેનો ઉપયોગ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ૧૨ કિલોમીટરના વૉક વેમાં રેસ્ક્યૂ માટે માત્ર એક બોટ અને બે ફાયરકર્મી છે.

વૉક વે પર સીસીટીવી અને સુરક્ષાકર્મીનો પણ અભાવ જાેવા મળી રહ્યો છે. આ બધી બાબતો પરથી જ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાનું મનાય રહ્યું છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ લોકો સુસાઇડ માટે કરે છે. પહેલા બ્રિજનો સુસાઇડ માટે વધારે ઉપયોગ થતો પણ બ્રિજ પર જાળી મુકતા હવે વૉક વેનો ઉપયોગ સુસાઇડ માટે થઈ રહ્યો છે.

આર્થિક સંકળામણ, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ, ઘરેલુ હિંસા, બીમારીથી કંટાળવું જેવા કારણોને લીધે લોકો સુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્રણેક વર્ષ સુધી પોલીસ અને ફાયર વિભાગે અનેક વાર રજુઆત કર્યા બાદ તંત્રએ બ્રિજ પર જાળી લગાવી અને બ્રિજ પરથી કૂદીને આપઘાત કરવાના કિસ્સા ઘટ્યા હતા. પરંતુ હવે બ્રિજ પર જાળી લાગી જતા લોકો વૉક વેનો ઉપયોગ કરે છે. સૂત્રોનું માનીએ તો તંત્ર વૉક વે પરની બેઠકના કઠેડા પર જાળી લગાવવાની મનાઈ કરી રહ્યું છે. આ પાછલ એવું કારણ માનવામાં આવી રહ્યું છે કે જાળી લગાવાય તો રિવરફ્રન્ટની સુંદરતામાં ઘટાડો થશે. તંત્ર માટે રિવરફ્રન્ટની બ્યૂટી અગત્યની છે કે લોકોના જીવ તે પણ સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.