ઝઘડીયાની હિન્દુસ્તાન કોપર લિ. કંપની માંથી લાખો રૂપિયાના કોપર સ્ક્રેપની ચોરી.
૭ ટન જેટલું કોપર સ્ક્રેપ વેરહાઉસનું પતરું ખોલી અજાણ્યા ચોર ઈસમો ૨૨ લાખનું કોપર સ્ક્રેપ ચોરી ગયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિ. માં કંપનીના વેરહાઉસમાં રાખેલ ૫૭ ટન જેટલા કોપર સ્ક્રેપ માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ૨૨ લાખ રૂપિયાનો ૭ ટન જેટલો કોપર સ્ક્રેપ ચોરી કરી લઇ જતાં સંચાલકોએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત જિલ્લાના નાના વરાછા ખાતે આવેલ સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનમાં પવનકુમાર રામચંદ્ર દાસ મેનેજર તરીકે ફરજ બજાવે છે.આ કંપની વેરહાઉસની દેખરેખ રાખવાનુ કામ કરે છે. હાલમાં આ કંપનીનુ કામ ઝઘડિયા જીઆઈડીસીની હિન્દુસ્તાન કોપર લિ.ની પ્રિમાઈસીસમાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિ.નુ કોપર મટીરીયલ તથા કોપર સ્ક્રેપ વાળા વેરહાઉસ દેખરેખ રાખવાનુ કામ કરે છે.
સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૨૦૦૭ થી ૨૦૦૯-૧૦ સુધી કોપર મટીરીયલ તથા કોપર સ્ક્રેપ હિન્દુસ્તાન કોપર લિ.ને સપ્લાય કરતા આવેલ છે.૨૦૧૦ માં કંપનીના પ્લાન્ટ બંધ થવાના કારણે આ વેરહાઉસમાં આશરે ૨૩ હજાર ટન મટીરીયલ તથા કોપર સ્ક્રેપ જે કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલ હતો.
તે પૈકીનો આશરે ૫૯ ટન સ્ક્રેપ કંપનીના વેરહાઉસમાં હોવાનું છેલ્લા ઓડિટ દરમિયાન જણાય આવેલ હતું. ગઈ તા ૬.૩.૨૧ ના રોજ વેરહાઉસમાં સિક્યુરિટી કર્મચારી રાજેન્દ્ર પ્રસાદનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિ.કંપનીમાં આવેલ વેરહાઉસમાં ઉપરનું પતરુ ખુલ્લું છે અને ચોરી થયેલ હોવાનું જણાય છે,
જેથી પવન કુમાર દાસ તા.૮ મી ના દિવસે ઝઘડિયાની હિન્દુસ્તાન કોપર કંપનીમાં જઈ વેરહાઉસની તપાસ કરેલ જ્યારે કોપર સ્ક્રેપ ચોરી થયેલું તેમના ધ્યાને આવ્યું હતું.કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા વેરહાઉસનું પતરું ખોલી કોપરની ચોરી કરેલ હોવાનું જણાયું હતું.ત્યાર બાદ કેટલુ કોપર ચોરાયુ છે તેનો સર્વે કર્યા બાદ તેમના ધ્યાને આવેલ કે વેર હાઉસમાંથી આશરે ૭ ટન જેટલું સ્ક્રેપ ચોરી થયેલ છે
જેની અંદાજિત કિંમત ૨૨ લાખ રૂપિયા જેટલી થાય છે. સર્વે કર્યા બાદ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચોરાયેલા મટીરીયલ બાબતે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિ.ના મેનેજર અરવિંદકુમાર પાલ શ્રી ધર્મદાસ પાલ સાથે પવન કુમાર રામચંદ્ર રામદાસ ઝઘડિયા પોલીસ મથકમાં કંપનીના વેરહાઉસ ૨૨ લાખ રૂપિયાના ૭ ટન જેટલા કોપર સ્ક્રેપની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હિન્દુસ્તાન કોપર માંથી મોટા પાયે કોપરની તથા સ્ક્રેપની ચોરી થવા પામી છે પરંતુ કંપનીના જવાબદાર કર્મચારીઓની બેદરકારીના કારણે આટલા મોટા પાયે ચોરી થાય છે.
ચોરી થયા બાદ કંપની સંચાલકો ફરિયાદ નોંધાવે છે પરંતુ તેમની સામે કોઇ ઠોસ કાર્યવાહી નહીં થવાના કારણે કોપર ચોરોને મોકળું મેદાન મળી રહેતું હોય છે, જેથી અવાર-નવાર ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની સંકુલ માંથી ચોરી થવાના બનાવો બનતા રહે છે.