Western Times News

Gujarati News

ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રીના હસ્તે ગુજરાતી ફિલ્મ “અલંકૃતા”ના પોસ્ટરનું લોકાર્પણ કરાયું 

વરિષ્ઠ પત્રકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત નવલકથા અલંકૃતાએ વિશ્વભરનાં લાખો ગુજરાતી વાચકોનાં દિલને ભીંજવ્યાં છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદની હોટેલ  કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલના વરદ હસ્તે ગુજરાતી ફિલ્મ “અલંકૃતા”ના પોસ્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પત્રકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત નવલકથા  અલંકૃતાએ વિશ્વભરનાં લાખો ગુજરાતી વાચકોનાં દિલને ભીંજવ્યાં છે. વિશ્વભરનાં ગુજરાતી વાચકોનો  અપ્રતિમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

અલંકૃતાને  લાખો વાંચકોનો  મળેલ પ્રેમને ધ્યાને લઈ આ નવલકથા  આધારિત નીપા સિંઘ પ્રોડક્શન્સ પ્રા. લિ. ગુજરાતી ફિલ્મ બનવવા જઈ રહ્યાં છે. નીપા સિંઘ જેઓને  2017 માં મિસિસ યુનાઇટેડ નેશન્સ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. તેઓ પોતે ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કરી રહ્યાં છે.

આ ફિલ્મના સંવાદો દેવેન્દ્ર પટેલ દ્વારા લખવામાં આવ્યા છે. અલંકૃતા એક રોમેન્ટિક અને  રસપ્રદ રહસ્ય કથા છે. આ કથા યુવાન પતિ-પત્નીના સંબંધમાં  આવતા ચડાવ ઉતારની દિલધડક કહાની છે.  કથા માનવીય  લાગણીઓને  સુંદર રીતે પ્રદર્શિત કરે છે. ગુજરાત અને મુંબઈની સાથે ફિલ્મને યુ.એસ., કેનેડા, યુ.કે, યુરોપ, ઑસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને આફ્રિકામાં પણ એક સાથે રિલીઝ કરશે.

સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ફિલ્મનું શૂટિંગ ગુજરાતના સુંદર અને મનોહર  સ્થળોએ કરવામાં આવનાર છે. શ્વેતા સિંહા  આ ફિલ્મમાં નાયિકાની મુખ્યભૂમિકા નિભાવી રહ્યાં છે. તેઓ હાલ મુંબઈના ટી.વી અભિનેત્રી છે અને અલંકૃતા દ્વારા ગુજરાતી સિનેમા જગતમાં પ્રવેશ કરી રહ્યાં છે. હાલમાં તેઓ વેબ સિરીઝ પણ કરી રહ્યા છે.

જય સોની નાયકનું મુખ્યપાત્ર ભજવી રહ્યા છે. તેઓ હાલ મુંબઈ નિવાસી છે. તથા વેબ સિરીઝ અને પ્રાદેશિક સિનેમામાં અભિનય કરનાર ટી.વી અભિનેતા છે. ફિલ્મનું સંગીત ગુજરાતની પ્રખ્યાત જોડી સમીર – માના દ્વારા આપવામાં આવ્યું છે. રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ દ્વારા ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તેમ નિપા સિંઘે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.