Western Times News

Gujarati News

મતદાન માટે ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

જીવનમાં સૌપ્રથમ વખત મતદાન કરીને લોકશાહીમાં સહભાગી થવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ સારી વોટરફ્રેન્ડલી વ્યવસ્થા કરાઈ છે” : કૃતિ જૈન

આજે મેં પહેલી વાર મતદાન કર્યું છે, જેની મને ખૂબ ખુશી છે.” – કવિશા શાહ

પ્રથમ વખત મતદાન કરીને જે અપાર આનંદ અનુભવ્યો છે, તે કાયમ માટે યાદ રહેશેપ્રેક્ષા કોઠારી

દેશની લોકશાહીને મજબૂત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્ત્વનું યોગદાન આપે છે. અમદાવાદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ, એમ અમદાવાદ જિલ્લાના જાગૃત યુવાનો એકસૂરે જણાવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના યુવા મતદારો પૈકી એક કૃતિ જૈને લોકશાહીના પર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કૃતિ જૈન જણાવે છે કે, “લોકશાહીના આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઈ રહી હતી, કેમ કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે. મારા મતાધિકારનો ઉપયોગ કરવાની મને ઘણી ખુશી છે. અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વોટર-ફ્રેન્ડલી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકતંત્રને સશક્ત બનાવવી આપણી જવાબદારી છે. હું દરેક નાગરિકને આગ્રહ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરે.”

નવ યુવાનો પૈકી વધુ એક યુવતી જેના ચહેરા પર તેની મતદાન કર્યાની ખુશી છલકાતી હતી, એ કવિશા શાહે અત્યંત ઉત્સાહિત રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા અને શ્યાહીવાળી પોતાની આંગળી બતાવતા જણાવ્યું હતું કે, “આ જુઓ, આજે મેં પહેલી વાર મતદાન કર્યું છે, જેની મને ખૂબ જ ખુશી છે.”

પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરતી પ્રેક્ષા અંકેશ કોઠારીએ જણાવ્યું હતું કે, “આજે મેં પ્રથમ વાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવી છે. પ્રથમ વખત મતદાન કરીને જે અપાર આનંદ અનુભવ્યો છે, તે મને કાયમ માટે યાદ રહેશે.

પ્રથમ વખત મતદાન કરનાર સાર્થક જૈને કહ્યું કે, લોકશાહીના આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. કેમ કે ચૂંટણીમાં મેં મારા જીવનકાળમાં પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો તેની ખુશી છે. ચૂંટણી એ લોકશાહીના પુસ્તકનું ઉજળું અને ગૌરવભર્યું પાનું છે. વધુમાં આ સૌ યુવાનોએ  ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિત તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.