“અભી તો મેં જવાન હૂં… ! નહીં.. નહીં, અભી નહીં ! શાયર હફીઝ જાલન્ધરીની લોકપ્રિય શાયરી અને શાયર ના અંતિમ બેહાલ …!”
“પાકિસ્તાનનું રાષ્ટ્રગીત જેને પાકિસ્તાન કા કૌમી તરાના કહે છે – આ લખનાર કવિ હતા મશહૂર શાયર હફીઝ જાલન્ધરી !” : “તમે જીવવા માટે ખોરાક લો છો ત્યારે શ્વાસ બંધ થઈ જાય ! ” |
“પાકિસ્તાનને આપણાં દેશ કરતાં એક દિવસ વહેલી, એટલે કે ૧૪મી ઓગષ્ટે, ૧૯૪૭માં આઝાદી મળી ! પણ નવાઈ એ વાતની છે કે પાકિસ્તાન પાસે અગિયાર-બાર વર્ષ સુધી પોતાનું રાષ્ટ્રગીત જ ન હતું ! ત્યારે ૧૯પ૮-પ૯ માં સરમુખ્તાર ફિલ્ડ માર્શલ અય્યુબખાને હુકમ કર્યો કે એક રાષ્ટ્રગીત તો હોવું જ જાઈએ !
તદઉપરાંત નવાઈની વાત એ છે કે પહેલા સંગીત નક્કી થઈ ગયું હતું અને પછી એ સંગીતને અનુરૂપ શબ્દો ગોઠવવામાં આવ્યા હતા ! અને એ રીતે એમનું રાષ્ટ્રગીત નિર્માણ થયું જેને ત્યાંની બોલીમાં પાકિસ્તાન કા કૌમી તરાના કહે છે ! આ રાષ્ટ્રગીત લખનાર કવિ હતા મશહૂર શાયર હફીઝ જાલન્ધરી ! એમણે પાકિસ્તાનનું રાષ્ટ્રગીત લખ્યું: ‘પાક સરઝમીન શાદ બાદ… ! ‘કૂલ ૬ કડીઓનું આ રાષ્ટ્રગીત ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાત કરે છે ! હફીઝ જાલન્ધરી ને આપણા દેશમાં અલગ રીતે ઓળખવામાં આવે છે ! મલિકા પોખરાજનું એક જમાનામાં મશહૂર નામ હતું.
આ મલિકા પોખરાજે હફીઝ જાલન્ધરીની એક અત્યંત લોકપ્રિય શાયરીને ગાઈ હતી. એક જમાનામાં એ કાશ્મીરના દરબારની ગાયિકા હતી અને એંશીના દાયકામાં એ એની પુત્રી સાથે હિન્દુસ્તાન આવી હતી અને જે શાયરીને તેણે ગાઈ એ વારંવારં ગાવાની ફરમાઈશ થતી રહેતી. જે આમ હતી: “અભી તો મૈં જવાન હૂં… ! ‘નહીં.. નહીં, અભી નહીં.. અભી તો મૈં જવાન હૂં !” એ જમાનામાં હિન્દુસ્તાનમાં એક યુવાન આખી પેઢી આ ગાયન પર ઝૂમતી હતી. જેનો લેખક- કવિ હફીઝ જાલન્ધરી ! ૮ર વર્ષની વયે ૧૯૮ર ના ડિસેમ્બરમાં હફીઝ જાલન્ધરીનો દેહાંત થયો હતો. પણ એની કારકિર્દીમાં ક્યાંક ક્યાંક જબરદસ્ત કમજારીઓ અને એબો હતી. ૧૯૩૯માં હફીઝ જાલન્ધરીના જીવનમાં એક ઘટના વિચિત્ર બની ! બીજું વિશ્વયુધ્ધ શરૂ થઈ ગયું હતું. અને તત્કાલીન વિદેશી હિન્દુસ્તાની સરકારે ગીતોની જાહેરખબર માટેના આયોજક તરીકે હફીઝની નિમણૂક કરી હતી. એ બાદ જાહેરખબરના વિભાગના ડિરેકટર તરીકે નિયુક્તિ થઈ હતી.
યુધ્ધ દરમ્યાન અંગ્રેજ સરકારની જાહેરખબર અને પ્રશંસા કરવાનું કામ એમને સોંપાયું હતું. હફીઝ વિદેશી માલિક સરકારની તારીફમાં વતન-વિરોધી કવિતાઓ બનાવવા લાગ્યા અને આ દેશ વિરોધી પ્રવૃત્તિને કારણે એમની કેરીયર સાફ થઈ ગઈ ! સાથો સાથ એમની કવિતાનું ધોરણ પણ ઘણું જ ઉતરી ગયું હતું. અને એ માણસ સાવજ ભૂંસાઈ ગયો. અને તે એટલી હદે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને એણે લખેલું રાષ્ટ્રગીત પણ ગમતું ન હતું અને એ આને બદલીને બીજું લખાવવા માંગતા હતા. પણ એ દરમ્યાન એમની ગિરફતારી અને પછી કેસ અને ફાંસીની ઘટનાઓ બની ગઈ ! “અભી તો મૈં જવાન હૂં…! ‘નહીં.. નહીં, અભી નહીં… અભી તો મૈં જવાન હૂ !” લખનાર જીવતેજીવ અદ્રશ્ય બની ગયો !!
ખીડકીઃ
“સત્તામાં સાઝેદારી હોતી નથી. હિંદુસ્તાનમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને ૧૯૩૬માં મળનાર અમેરિકન પત્રકાર જ્હોન ગ્રંથરે ‘ઈનસાઈડ એશિયા’માં (ખૂબ પ્રખ્યાત પુસ્તક છે) એક ભવિષ્યવાણી લખી છે. ઃ ‘જ્યારે હિન્દુસ્તાન આઝાદ થશે ત્યારે પટેલ સ્તાલિન બનશે અને નેહરુના ત્રોત્સ્કી જેવા હાલ થશે !”…. પણ આઝાદી ૧૯૩૬ને બદલે ૧૯૪૭માં આવી, જ્યારે નહેરુ પપ વર્ષના હતા અને સરદાર ૭ર વર્ષના. સરદાર ૧૯પ૦માં ગુજરી ગયાં અને નેહરુ ૧૯૬૪માં ! ગ્રંથરે જે ભવિષ્યવાણી ભાખી તેમાં આ ઉંમરનો હિસાબ ચૂકી ગયાં હતાં ! અને એના સારા-ખોટા પરિણામોની પ્રજા ગવાહ છે !”
સ્ફોટકઃ
આપણે ખાતા હોઈએ છીએ ત્યારે આપણો શ્વાસ બંધ હોય છે. એ રચના જ એવી છે કે અન્નનળી અને શ્વાસનળી બન્ને સાથે ન ચાલી શકે. આ બહુ મોટી વિરોધિતા છે કે તમે જીવવા માટે જ્યારે ખોરાક લો ત્યારે શ્વાસ બંધ થઈ જાય.