ડાયરેક્ટરની દીકરી હોવા છતાં અનુપમાએ સંઘર્ષ કર્યો
મુંબઈ: એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આજકાલ ટીવી સીરિયલ અનુપમાના કારણે ચર્ચામાં છે. જુલાઈ ૨૦૨૦માં આ શો શરૂ થયો ત્યારથી ટીઆરપીમાં નંબર વન છે. રૂપાલીએ અનુપમા દ્વારા લગભગ સાત વર્ષ બાદ એક્ટિંગમાં કમબેક કર્યું છે અને તેને જબરદસ્ત સફળતા મળી રહી છે.
શું તમે જાણો છો કે રૂપાલીએ પોતાના કરિયરની શરૂઆત ૪ વર્ષની ઉંમરથી કરી હતી? એ ફિલ્મને રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં રૂપાલીએ દીના પાઠકના બાળકનો રોલ કર્યો હતો. અનિલ ગાંગુલી જાણીતા ડાયરેક્ટર અને સ્ક્રીનરાઈટર હતા. રૂપાલીએ ૧૯૮૫માં અનિલ કપૂર અને અમૃતા સિંહની ફિલ્મ ‘સાહેબ’માં પણ કામ કર્યું હતું. જાણીતા ડાયરેક્ટરની દીકરી હોવા છતાં પણ રૂપાલી ગાંગુલીને મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જાે કે, આજે રૂપાલી ખૂબ ખુશ છે. લગભગ ૩૮ વર્ષ બાદ તેને યોગ્ય સ્ટારડમ મળી રહ્યું છે. રૂપાલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અનુપમા દ્વારા ૩૮ વર્ષ બાદ મને ખરું સ્ટારડમ મળ્યું છે અને હું ખૂબ ખુશ છું.
મારા પરિવારને મારા પર ગર્વ છે. રૂપાલીએ નાની ઉંમરે એક્ટિંગ શરૂ કરી પણ અભ્યાસ પર અસર ના થવા દીધી. રૂપાલીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. સાથે જ થિયેટર અને મોડલિંગ પણ કરતી હતી. ૨૦૦૦ની સાલમાં રૂપાલીએ ટીવીની દુનિયામાં પગ મૂક્યો અને સુકન્યા શો સાઈન કર્યો હતો. જે બાદ રૂપાલીએ બીજા ૧-૨ શોમાં પણ કામ કર્યું હતું, ૨૦૦૩માં સીરિયલ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’થી રૂપાલીને જબરદસ્ત પ્રસિદ્ધિ મળી હતી.
મોનિશાના રોલ માટે રૂપાલીના ખૂબ વખાણ થયા હતા. ત્યારબાદ રૂપાલી ૨૦૦૬માં બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી હતી. તે ઘરમાં ૭૨ દિવસ સુધી રહ્યા બાદ આઉટ થઈ હતી. આટલું જ નહીં રૂપાલીએ ‘ખતરોં કે ખિલાડી ૨’માં પણ ભાગ લીધો હતો. એ સીઝનમાં રૂપાલીએ સૌથી ખતરનાક સ્ટન્ટ કરીને સૌને અચંબિત કર્યા હતા.
જાે કે, આજે ‘અનુપમા’ સીરિયલે રૂપાલીને અપાર પ્રસિદ્ધિ અપાવી છે. અત્યાર સુધી દર્શકો તેને મોનિશાના રોલ માટે ઓળખતા હતા પરંતુ હવે તે અનુપમા બનીને દર્શકોના માનસપટ પર કાયમ માટે છવાયેલી રહેશે.