Western Times News

Gujarati News

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે 75 કિલોમીટરની દાંડીયાત્રા પૂર્ણ કરી

શ્રી પટેલે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર નડિયાદ સુધીની યાત્રા પૂર્ણ કરી; પદયાત્રીઓને આગામી સફર માટે શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલે સોમવારે 75 કિલોમીટરની દાંડીયાત્રા નડિયાદમાં પૂરી કરી. સવારે સાત વાગે કેન્દ્રીય મંત્રી શ્રી પટેલે માતરના સર્કિટ હાઉસમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ અને 17 રાજ્યોમાંથી આવેલા પદયાત્રીઓ સાથે પદયાત્રાની શરૂઆત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચના રોજ આઝાદીની 75મી વર્ષગાંઠને સમર્પિત “આઝાદી કા અમૃત મહોત્સવ”નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રાની માર્ગ પર સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાને લીલી ઝંડી આપી હતી.

અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલના નેતૃત્વમાં 81 લોકોને રવાના કર્યા હતા. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે 75 કિલોમીટર સુધી નડિયાદ સુધી પદયાત્રા પૂરી કરી.

છેલ્લા ચાર દિવસમાં દાંડીયાત્રા સાથે હજારો લોકો જોડાયા અને પદયાત્રામાં સામેલ થયા. આ દરમિયાન ઘણા મહાનુભાવો સામેલ થયાં, જેમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ સામેલ છે.

ચોથા દિવસે 24 કિલોમીટરની પદયાત્રા દરમિયાન સોખડા, સંધાણા, પલાણા, દાવડા, દભણમાં સ્થાનિક લોકોએ ઠેરઠેર પદયાત્રીઓનું સ્વાગત કર્યું અને બપોરે પદયાત્રીઓને રાહત આપવા માટે પાણી, જ્યુસ, કોલ્ડ ડ્રિન્ક્સ, છાશ વગેરેનું વિતરણ કર્યું.

પદયાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓની સંખ્યા જોઈને એવું લાગતું હતું કે જાણે જનપ્રવાહ ઉમટી રહ્યો છે. લોકો હજારોની સંખ્યામાં એકત્ર થઈને પદયાત્રીઓનું સ્વાગત કરી રહ્યાં હતા અને બપોરે તેમને સતત ચાલતા રહેવાના જુસ્સાને બિરદાવતા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પટેલ પદયાત્રીઓ સાથે ભોજન લેવા માટે દભણમાં રોકાયા અને થોડો સમય વિશ્રામ કર્યા પછી પદયાત્રા શરૂ કરી. યાત્રા દરમિયાન ભાજપ જિલ્લા કાર્યાલયમાં શ્રી પટેલનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.

ત્યાંથી આગળ વધીને મેથોડિસ્ટ ચર્ચમાં શ્રી પટેલનો ભવ્ય સ્વાગતસત્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સરદાર પટેલ ભવનમાં કેન્દ્રીય મંત્રી શ્રી પટેલનું સ્વાગત કર્યું અને પદયાત્રામાં સામેલ થયા તથા નડિયાદના સંતરામ મંદિર પહોંચીને દર્શન કર્યા અને ઇન્ડિયા2@75 પ્રદર્શન નિહાળ્યું.

સંતરામ મંદિરના પ્રાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુંદર કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યાં. મંચ પર કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી.

શ્રી પટેલે લોકોને સંબોધન કરતા કહ્યું કે, હું દાંડીકૂચના માર્ગ પર ચાલીને પોતાને ભાગ્યશાળી સમજુ છું અને સરદાર પટેલની જન્મભૂમિ પર 75 કિલોમીટરની સફર પૂરી કરી છે. તેમણે જણાવ્યું કે, હું ગુજરાત સરકાર અને અહીંના લોકોનો આભાર માનું છું, જેમણે મને અને તમામ પદયાત્રીઓને પ્રેમ અને સન્માન આપ્યું. આપણે 75 વર્ષમાં બહુ પ્રગતિ કરી છે, પણ જે લોકો પ્રગતિની આ સફરમાં વંચિત રહી ગયા છે તેમને સાથે લેવાની જવાબદારી હવે વર્તમાન પેઢીની છે, જેને આઝાદીની શતાબ્દીને સોનેરી બનાવવાની છે. આપણે સંકલ્પ સાથે આગળ વધવું પડશે અને સંકલ્પમાં વિકલ્પને સ્થાન હોતું નથી. જો સંકલ્પમાં વિકલ્પનો વિચાર કરવામાં આવે, તો મહાન કાર્ય અટકી જાય છે. તેમણે દાંડી સુધી જનાર પદયાત્રીઓને શુભકામનાઓ પાઠવી.

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ શ્રી પટેલને અભિનંદન આપ્યા કે તેમણે દાંડીયાત્રાના 75 કિલોમીટર પવિત્ર ધરતી પર પૂર્ણ કર્યા. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી ભાગ્યશાળી છે, જે અહીંથી એક વાર ફરી ઇતિહાસનું સર્જન કરી રહી છે. અહીંથી આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવનો શુભારંભ થયો છે.

આ પવિત્ર પદયાત્રામાં દેશભરના 17 રાજ્યોમાંથી આવેલા લોકો સહભાગી થયા છે. તેમાં મધ્યપ્રદેશમાંથી 44, મહારાષ્ટ્રમાંથી 4, કેરળમાંથી 1, તમિલનાડુમાંથી 1, મણિપુરમાંથી 2, રાજસ્થાનમાંથી 7, દિલ્હીમાંથી 5, ઉત્તરપ્રદેશમાંથી 4, ઝારખંડમાંથી 1, ઉત્તરાખંડમાંથી 1, બિહારમાંથી 6, પંજાબમાંથી 1, પશ્ચિમ બંગાળમાંથી 1, ઓડિશામાંથી 1, હિમાચલપ્રદેશમાંથી 1, હરિયાણામાંથી 1, ગુજરાતમાંથી 81 લોકોનું જૂથ અને નેપાળમાંથી પણ 2 પદયાત્રીઓ સામેલ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.