Western Times News

Gujarati News

બાળલગ્નમા સામેલ થનાર ગોરમહારાજ, રસોઈયા, ફોટોગ્રાફર સામે કાર્યવાહી કરાશે

પ્રતિકાત્મક

અખાત્રીજના યોજાનારા લગ્ન સમારંભો પર તંત્રની બાજ નજર

માહિતી બ્યૂરો મહીસાગર, મહિસાગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતિયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે જેથી મહિસાગરમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવનાર છે આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન, ડી.જે, બેન્ડબાજા વાળા, ફોટોગ્રાફર સહિતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીશ્રીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં આયોજકો તથા વર-કન્યાના માતા-પિતા સહીત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોધાય છે.

આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે તેથી લગ્ન નકકી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહી.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ ઉપરાંત બિનજામીન પાત્ર ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા પિતાલગ્ન કરાવનાર ગોર મહારાજ, સમુહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડી.જે., બેન્ડબાજાવાળા, સહિતના મદદગારી કરનાર ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં જો કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો જનતાને વિનંતી કે મહિસાગર બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નંબર-૨ ગ્રાઉન્ડ ફ્‌લોર જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી લુણાવાડા જીઃમહિસાગર ફોન નં ૦૨૬૭૪- ૨૫૨૯૬૮, જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.૨૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી લુણાવાડા જિ.મહિસાગર ફોન નં. ૦૨૬૭૪-૨૫૦૫૩૧, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮, ૧૧૨, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન અભયમ, પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦ ને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવે છે.તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.