પાટણના ૧૯ હજારથી વધુ સિનિયર સિટીઝન્સને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
ગત તા.૦૧ માર્ચથી શરૂ કરવામાં આવેલા કોવિડ-૧૯ વેક્સિનેશન કાર્યક્રમમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરીકોને આપવામાં આવી રહી છે રસી
પાટણ, સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા હવે રસી ઉપલબ્ધ બની છે ત્યારે હાલમાં જિલ્લાના ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરીકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લાના ૧૯,૮૪૧થી વધુ સિનિયર સિટીઝન્સને રસી આપવામાં આવી છે.
હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધા બાદ ૬૭ વર્ષિય કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, કોરોના રસીકરણ કાર્યક્રમમાં મેં રસીનો પહેલો ડોઝ લીધો છે. હું બ્લડપ્રેશર અને ડાયાબિટીશનો દર્દી છું છતાં મને રસીની કોઈ આડઅસર થઈ નથી. માટે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તમામ લોકોએ રસી લેવી જોઈએ.
તા.૦૧ માર્ચથી વરિષ્ઠ નાગરીકો માટે શરૂ કરવામાં આવેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પાટણ તાલુકામાં સૌથી વધુ ૮,૧૪૦ વરિષ્ઠ નાગરીકો, સિદ્ધપુર તાલુકાના ૪૦૭૧, ચાણસ્મા તાલુકાના ૨૨૨૩, સરસ્વતી તાલુકાના ૧૫૦૭, સમી તાલુકાના ૧૧૬૮, હારીજ તાલુકાના ૮૯૬, રાધનપુર તાલુકાના ૭૬૭, સાંતલપુર તાલુકાના ૬૭૨, તથા શંખેશ્વર તાલુકાના ૩૮૭ મળી જિલ્લાના કુલ ૧૯,૮૪૧ વરિષ્ઠ નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
સામાન્ય રીતે કોવિડ-૧૯ પોઝીટીવ વ્યક્તિના સૌથી વધુ સંપર્કમાં આવતાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને સંક્રમણનું જોખમ વધુ રહેલું છે. ત્યારબાદ કોરોના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા હોય તો તે વરિષ્ઠ નાગરીકો છે. ઈમ્યુનિટી ઓછી હોવાના કારણે તેમને ઝડપથી ચેપ લાગવાની શક્યતા હોય છે. ત્યારે સિનિયર સિટીઝન્સને રસીકરણમાં પ્રાથમિકતા આપી હાલ તેમના રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.