કોરોના સંક્રમણ બાદ શરીરમાં લાઇફલોંગ ઇમ્યુનિટી (કાયમી રોગપ્રતિકારીતા) આવતી નથી – એન્ટિબોડી અમુક સમય પછી નકામા બને છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશબાબુ અને આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવનું શોધકાર્ય ઇન્ટરનેશનલ સાયન્સ મેગેઝીનમાં ઝળક્યું
શોધપત્ર-રિસર્ચ પેપર ‘પોપ્યુલેશન બેઝ્ડ સિરોપ્રિવેલન્સ ઓફ SARS-CoV-2 સ્પેસિફિક IgGએંટિબોડી ઇન રૂરલ અમદાવાદ- અ કેસ કંટ્રોલ સ્ટડી’ને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં સ્થાન
અમદાવાદ શહેરથી નજીકના તાલુકામાં સિરો-પોઝિટીવિટીનો દર વધારે -અમદાવાદ રૂરલમાં સિરો-પોઝિટીવિટીનો સરેરાશ દર ૨૫%
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવનું શોધકાર્ય ઇન્ટરનેશનલ સાયન્સ મેગેઝીનમાં ઝળક્યું છે. તેમના શોધપત્ર ‘પોપ્યુલેશન બેઝ્ડ સિરોપ્રિવેલન્સ ઓફ SARS-CoV-2 સ્પેસિફિક IgG એંટિબોડી ઇન રૂરલ અમદાવાદ- અ કેસ કંટ્રોલ સ્ટડી’ને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં સ્થાન મળ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશબાબુ અને જિલ્લા આરોગ્ય અધિકારીએ અમદાવાદ રૂરલમાં જુનથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન કરેલા સર્વે આધારીત આ શોધપત્ર રજુ કરવામાં આવ્યું છે. ઉલ્લીખનીય છે કે ગત વર્ષે ICMRની ગાઇડલાઇન મુજબ દેશભરમાં સિરોસર્વે કરવામાં આવ્યો છે.
ડી.ડી.ઓ. શ્રી અરૂણ મહેશબાબુ અને આ ડૉ. શિલ્પા યાદવે અમદાવાદના તમામ ૯ તાલુકામાં ૦થી લઇ ૯૦ વર્ષ સુધીના કુલ ૨૩૦૦ જેટલા લોકોનો સિરોસર્વે કરી સિરો-પોઝિટીવિટીનું આંકલન કર્યું હતું.
આ અભ્યાસ મુજબ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં અમદાવાદ રૂરલની ૧૬ લાખમાંથી ૪ લાખ વસ્તીમાં એંટિબોડી ઉત્પન્ન થયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ બાદ શરીરમાં લાઇફલોંગ ઇમ્યુનિટી (કાયમી રોગપ્રતિકારીતા) આવતી નથી – એન્ટિબોડી અમુક સમય પછી નકામા બને છે. અમદાવાદ રૂરલમાં કોરોના પ્રત્યે સાવચેતી-તકેદારીની જરૂર યથાવત છે.
સંક્રમણ ફેલાવવામાં કે એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં સ્ત્રી-પુરુષ બંને સરખા છે આથી જેન્ડર ડિફરન્સ અસ્થાને છે. ઉપરાંત અમદાવાદ શહેરથી નજીકના તાલુકામાં સિરો-પોઝિટીવિટીનો દર વધારે હોવાનો અને અમદાવાદ રૂરલમાં સિરો-પોઝિટીવિટીનો સરેરાશ દર ૨૫% રહ્યો હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
ડી.ડી.ઓ. શ્રી અરૂણ મહેશબાબુ જણાવે છે કે, લોકોમાં કોરોના સામે પુરતી રોગપ્રતિકારક શક્તિ કે હર્ડ ઇમ્યુનિટી ઉદ્ભવી નથી. આથી વેક્સિન લેવી ખૂબ જ અગત્યની બની જાય છે. આ ઉપરાંત નિયમિત સ્વચ્છતા, હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ રાખવાનું પણ ભૂલવું ન જોઈએ.
ડી.ડી.ઓ. શ્રી અરૂણ મહેશબાબુ અને ડૉ. શિલ્પા યાદવે શોધપત્રમાં ભારતના અન્ય પ્રદેશો અને વિદેશના સિરોસર્વેને ટાંક્યા છે. ઉપરાંત અમદાવાદ રૂરલના સિરો-સર્વે વિશે વિસ્તૃત છણાવટ કરી છે. આ શોધપત્રને IJSR દ્વારા ૧૦૦માંથી ૮૧ ગુણાંક આપી સ્વિકારવામાં આવ્યું છે.
આ શોધપત્ર માટે સિરોલોજીકલ સર્વેનું સ્ટેટીસ્ટિકલ એનાલિસિસ બી.જે મેડીકલના ડૉ. દેવાંગ રાવલ અને ડૉ. રાજશ્રી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
કોમ્યુનિટી સિરોલોજીકલ સર્વે જે-તે વિસ્તારમાં સંક્રમણ(ચેપ)ના વ્યાપનો અંદાજ કાઢવા અને તેના ફેલાવને રોકવા માટે વ્યૂહરચના ઘડવામાં મદદરૂપ થાય છે. આ સર્વેમાં જે-તે વિસ્તારની વસ્તીમાં એન્ટિબોડીઝ (સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી- IgG)નું પ્રમાણ જાણવામાં આવે છે. વ્યક્તિમાં એન્ટિબોડીઝની હાજરી એ સૂચવે છે કે તે વ્યક્તિને તાજેતરના ભૂતકાળમાં (એટલે કે, 10-15 દિવસ પહેલા) ચેપ લાગ્યો હતો.