તમે જ્યાંથી હાઈવે પર ચઢશો ત્યાંથી GPSની મદદથી કેમેરા ગાડીનો ફોટો લેશે અને જ્યાંથી ઉતરશો ત્યાં ફોટો લેશે, આમ એટલા અંતરનો જ ટોલ ચુકવવો પડશે
વર્ષમાં બધા ટોલ પ્લાઝા કાઢી નખાશે, રસ્તાના વપરાશ મુજબ ટોલ લેવાશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની લોકસભામાં મહત્વપૂર્ણ જાહેરાત
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં ભારે મોટી જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું કે, સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી છે. આગામી સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ તેઓ જેટલા રસ્તાનો ઉપયોગ કરે તેટલો જ ટોલ ચુકવવો પડશે.
હકીકતે અમરોહાના બીએસપી સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢ મુક્તેશ્વર પાસેના રસ્તા પર નગર નિગમની સરહદમાં ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે, પાછલી સરકારે સડક પરિયોજનાના કોન્ટ્રાક્ટમાં વધુ મલાઈ ઉમેરવા નગરની સરહદે અનેક ટોલ પ્લાઝા બનાવ્યા જે નિશ્ચિતરૂપે ખોટું છે અને અન્યાયી છે.
હવે જાે તે ટોલ પ્લાઝા કાઢવા જઈએ તો રસ્તો બનાવનારી કંપની વળતર માંગશે. પરંતુ સરકારે આગામી એક વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝાનો અંત લાવવાની યોજના બનાવી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું, ટોલના અંતનો મતલબ ટોલ પ્લાઝાનો અંત છે. સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેમાં તમે જ્યાંથી હાઈવે પર ચઢશો ત્યાંથી જીપીએસની મદદથી કેમેરા તમારો ફોટો લેશે અને જ્યાંથી ઉતરશો ત્યાં ફોટો લેશે, આમ એટલા અંતરનો જ ટોલ ચુકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી ટોલ પ્લાઝાના કારણે થતા ટ્રાફિક જામ મુસાફરોને પડતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તમામ નેશનલ હાઈવે પર ફાસ્ટેગની સુવિધા લાગુ કરી હતી જેથી વાહનો લાઈનમાં લાગ્યા વગર ઓટોમેટિક રીતે ટોલ પ્લાઝા પર ટોલ ભરી શકે.