વડોદરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ
વડોદરા: વડોદરાના સાવલીમાં ગોઠડા ગામે ખાતે આવેલી શિવમ પેટ્રો કેમિકલ્સમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે કંપનીમાં કામ કરતા પાંચ જેટલા કર્મચારીએ દાઝી ગયા છે. આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેટની ચારથી વધારે ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સાવલી ખાતે શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો છે.
આગને પગલે કંપનીના કેટલાક કર્મચારીઓ દાઝી ગયા છે. આગ બાદ પાંચ જેટલા કર્મચારીઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજા તરફ આગને પગલે કંપનીમાં ખૂબ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આગ લાગ્યા પહેલા એક બ્લાસ્ટ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે દૂર દૂર સુધી આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. કંપનીમાં રિએક્ટર ફાટ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આગના સમાચાર બાદ કંપનીમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં પાંચ જેટલા કર્મચારીઓને શહેરની એસએસડી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગની ઘટના બાદ આસપાસના લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ આગને પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં જાેવા મળ્યા હતા. ફાયર બ્રિગેટની સાથે સાથે આસપાસ આવેલી અન્ય કંપનીઓ પણ આગ પર કાબૂ મેળવવા માટે મદદ કરી રહી છે. શિવલ પેટ્રો કેમિકલ્સ વિવિધ કેમિકલ અને પાઉડર બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. આગને પગલે કંપનીએ ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. આગ કયા કારણોસર લાગી હતી તે વાત યોગ્ય તપાસ બાદ માલુમ પડશે.