એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ આઠ દિવસ બંધ રહેશે
મહેસાણા: રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફયુ સહિત પ્રતિબંધો લાદ્યા છે. ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ ૮ દિવસ માટે બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર ૮ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૨૫ માર્ચ, ૨૦૨૧થી ૧ એપ્રિલ, ૨૦૨૧ સુધી એમ કુલ ૮ દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે.
ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
આ ર્નિણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નતી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં આ ર્નિણય આશિર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના સાવ બેકાબૂ બની ગયો હોય એવી હાલત છે. રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ અફવાઓ અને ભયના માહોલ વચ્ચે જ્યા રોજ હજારો લોકો આવે છે એનુ ઊંઝાનું માર્કેટ યાર્ડ ૮ દિવસ માટે બંધ રહેશે તેના કારણે લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.