Western Times News

Gujarati News

ગોમતીપુરમાં કરોડોના ખર્ચથી નવીનીકરણ થયેલ વીર ભગતસિંહ હોલનો વપરાશ બંધ

મ્યુનિ. સત્તાધીશોની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે નાગરીકોને હોલનો લાભ મળતો નથી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ લગ્ન પ્રસંગે ભાડે આપવાની બંધ કરવામાં આવી છે. જયારે અનેક વિસ્તારોમાં કોમ્યુનીટી હોલ કે પાર્ટી પ્લોટ ઉપલબ્ધ નથી જેના કારણે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલા કોમ્યુનીટી હોલ માત્ર ભાડા નકકી ન થયા હોવાથી તેનો ઉપયોગ થઈ શકયો નથી. ગોમતીપુર વિસ્તારના કોમ્યુનીટી હોલની પણ કાંઈક આવી જ પરિસ્થિતિ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લગભગ દોઢ વર્ષ પહેલા રૂા.૩.૭પ કરોડના ખર્ચથી વીર ભગતસિંહ હોલનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે.

મ્યુનિ. ચૂંટણી પહેલા મુખ્યમંત્રી દ્વારા તેનું વચ્ર્યુઅલ લોકાર્પણ પણ થઈ ગયુ છે તેમ છતાં સ્થાનિક રહીશો તેનો ઉપયોગ કરી શકતા નથી. કોંગી કોર્પોરેટર ઈકબાલ શેખે ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું છે કે કરોડોના ખર્ચથી નવનીકરણ થયેલ કોમ્યુનીટી હોલનો સત્તાધીશોની નિષ્ક્રિયના કારણે વપરાશ થઈ શકતો નથી. નવા કે નવીનીકરણ થયેલ હોલ- પાર્ટી પ્લોટના વપરાશ કરતા પહેલા તેના ભાડા નકકી થાય છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ભાડા અને નિયમો નકકી કરવામાં આવે છે. ચૂંટણી અગાઉ આ અંગે ધ્યાન આપવામાં આવ્યુ ન હતું. જયારે ચૂંટણી બાદ નવનિયુક્ત સ્ટેન્ડીંગ ચેરમેન તેમજ મ્યુનિ. કમિશ્નર સમક્ષ આ મુદ્દે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી

તેમ છતાં ગુરુવારની કમીટીમાં હોલના ભાડા નકકી કરવા માટે કોઈ જ ધ્યાન આપવામાં આવ્યુ નથી. દુઃખદ બાબત એ છે કે નવનિયુક્ત ચેરમેને જન સમુદાયના ફાયદાની બાબત પર ધ્યાન આપવાના બદલે મ્યુઝીયમના ભાડા વધારવા પર વધુ ભાર મુકયો હતો. કોરોના કાળમાં બગીચા, બસ, કાંકરીયા ફ્રન્ટ વગેરે બંધ કરવામાં આવી રહયા છે ત્યારે મ્યુઝીયમમાં વિવિધ પ્રવૃતિના દર વધારાના કામ અંગે આગામી કમીટીમાં નિૃણય લઈ શકાય તેમ હતો. ગોમતીપુરના વીર ભગતસિંહ કોમ્યુનીટી હોલના ભાડા અને વપરાશ અંગે નિર્ણય કરવામાં આવ્યો હોત તો નાગરીકોને લાભ થઈ શકે

તેમ હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ગોમતીપુરમાં હોલ તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી જયારે દાણીલીમડામાં ચૂંટણી પહેલા પાર્ટી પ્લોટ માટે ખાત મુર્હુત કરવામાં આવ્યા બાદ કામ થયુ જ નથી જેના વિરોધમાં દાણીલીમડાના એક યુગલે દક્ષિણ ઝોન કચેરીએ લગ્ન કર્યા હતા. સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની હાજરીમાં મ્યુનિ. કાર્યાલયમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો આ પ્રકારનો આવો પહેલો બનાવ હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.