ચાલો સમાજમાં ફેલાયેલી ગેરસમજણ દૂર કરીએઃ મહિલા વંધ્યત્વ વિશે ખોટી માહિતીને પડકારીએ
ડૉ. ક્ષિતિજ મરડિયા સીઇઓ અને સહ-સ્થાપક ઇન્દિરા આઇવીએફ
વંધ્યત્વ એટલે કોઈ પણ પ્રકારના ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વિના એક વર્ષ સુધી બાળક રાખવાના પ્રયાસમાં નિષ્ફળતા સાંપડવી. આશરે 10થી 15 ટકા ભારતીય દંપતિઓ વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સામાન્ય રીતે લગ્ન પછી દંપતિ નિઃસંતાન રહે એટલે સમાજ પહેલી નજરે મહિલાઓને જ જવાબદાર ગણે છે. DE-FOGGING THE STIGMATISED LENS: LET’S CHALLENGE MISINFORMATION ON FEMALE INFERTILITY
બાળકને જન્મ આપવાની અને બાળકનું પાલનપોષણ કરવાની પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે મહિલાઓને જવાબદારી ગણવામાં આવે છે – એના મૂળિયા સદીઓથી ચાલી આવતી પરંપરામાં જોઈ શકાશે. જ્યારે મહિલાઓ ગર્ભવતી બની શકતી નથી, ત્યારે તેમના શરીરમાં દુષ્ટ આત્માઓનો વાસ હોવાનું અને ભૂતકાળમાં કોઈ પાપકર્મ કર્યું હોવાની વાતોની ચર્ચા શરૂ થાય છે. એટલે વૈજ્ઞાનિક જાણકારી વિના લોકો પરંપરા અને ધર્મનો આશરો લે છે, જેમાં જીવ જોખમમાં મૂકાય છે.
વર્ષ 2021ની શરૂઆતમાં મહિલા વંધ્યત્વની ‘સારવાર કરવાનો’ એક ભયંકર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઉત્તર ભારતના એક રાજ્યમાં 33 વર્ષની મહિલાને એના શરીરમાંથી દુષ્ટ આત્માનો નિકાલ કરવા એક તાંત્રિકે અમાનવીય માર માર્યો હતો. મહિલાના વંધ્યત્વ માટે દુષ્ટ આત્મા જવાબદાર હોવાનું તાંત્રિકે કહ્યું હતું.
પછી આ મહિલાને ઢોરમારને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. અન્ય એક ભારતીય રાજ્યમાં તાંત્રિક બાળકની ઇચ્છા ધરાવતી મહિલાઓની પીઠ પર ચાલતો હતો.
સદીઓથી વંધ્યત્વ માટે દોષનો ટોપલો મહિલાઓ પર અનુચિત રીતે ઢોળવામાં આવે છે. તબીબી રીત પુરવાર થયું છે કે, વંધ્યત્વ માટે પુરુષો અને મહિલાઓ એમ બંને જવાબદાર હોઈ શકે છે. સંશોધને પણ આ પુરવાર કરવા મદદ કરી છે. પુરુષોમાં ગુણવત્તાયુક્ત અને પર્યાપ્ત સંખ્યામાં શુક્રાણુને વિવિધ પરિબળોને કારણે અસર થઈ શકે છે, જેમાં ડાયાબીટિસ અને ઇન્ફેક્શન (સિફિલિસ, ક્લેમાઇડિયા) જેવી બિમારીઓ સામેલ છે.
મહિલાઓમાં પોલી-સીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ/ડિસીઝ, એન્ડોમેટ્રિઓસિસ, ડાયાબીટિસ અને થાઇરોઇડનું અપર્યાપ્ત સ્તર જવાબદાર હોઈ શકે છે. બંનેમાં વંધ્યત્વ માટે સામાન્ય કારણો છે – અંતઃસ્ત્રાવોનું અસંતુલન, અનુચિત પ્રજોત્પાદક અંગો અને આનુવંશિક ખામીઓ.
એટલે પુરુષોમાં અપૂરતી પ્રજોત્પાદકતાના પરિણામે દંપતિ નિઃસંતાન હોઈ શકે છે. આ જ વાત મહિલાઓને પણ લાગુ થાય છે. એનો અર્થ એ થયો કે, પતિ-પત્ની એમ બંનેમાં ખામીયુક્ત પ્રજોત્પાદકતા વંધ્યત્વ માટે જવાબદાર હોઈ શકે છે.
આ વૈજ્ઞાનિક તારણો પર આધારિત જાણકારી વધુને વધુ લોકોને ગળે ધીમે ધીમે ઉતરી રહી છે, ખાસ કરીને પ્રસિદ્ધ મહિલાઓએ તેમની સફર વિશે નિખાલસતાપૂર્વક જાણકારી આપી છે. ફરાહ ખાન, ડાયના હેડન અને મોના સિંહ જેવી સેલેબ્રિટીઓ આગળ આવી છે,
જેથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતી અને આ પ્રસિદ્ધ મહિલાઓથી વાકેફ મહિલાઓ સુધી વૈજ્ઞાનિક સમર્થન ધરાવતી જાણકારી પહોંચી છે. આ પ્રકારની જીવન સાથે સંકળાયેલી સાચી અને પ્રેરક વાતોથી માતૃત્વ ધારણ કરવા ઇચ્છતી ઘણી મહિલાઓને તેમની વંધ્યત્વની સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ મળવાની સાથે તેમને તેમના કાર્યસ્થળમાં પણ પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવી છે.
જોકે આ વાત મહિલાઓને સક્ષમ બનાવવા વધુ મહિલાઓ માટેનો માર્ગ મોકળો કરનારી સક્ષમ મહિલાઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. અહીં એ વાતનું પુનરાવર્તન કરવું આવશ્યક છે કે આ પરિવર્તનના કેન્દ્રમાં મહિલાઓ છે, કારણ કે સામાજિક સ્તરે ભેદભાવ કે પૂર્વગ્રહયુક્ત વલણનો સામનો તેમને કરવો પડે છે.
વંધ્યત્વને સામાજિક લાંછન ન ગણવાની શરૂઆત પાયાના સ્તરથી કરવી પડશે. આ બાબત પડકારજનક છે, કારણ કે સદીઓથી આ પરંપરા ચાલી આવી છે. વળી સમુદાયના અન્ય પક્ષો – માતાપિતાઓ, પતિ, સાસુ-સસરા, ભાઈ-બહેનો, પિતરાઈ ભાઈબહેનો, સહકાર્યકર્તાઓ, રોજગારદાતાઓ વગેરેને આ માટે તૈયાર કરવા પડશે. આ માટે સામુદાયિક જાગૃતિ કેમ્પ યોજી શકાશે અને રેડિયો, ટીવી, અખબારો અને ડિજિટલ મીડિયા જેવા અન્ય માધ્યમોમાં આ અંગે જાગૃતિ ફેલાવી શકાશે. અહીં સેલેબ્રિટીઓ – પુરુષો કે મહિલાઓ – મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.
સંયુક્ત રાષ્ટ્રએ હી ફોર શી જેવી પહેલો હાથ ધરીને લિંગ સમાનતામાં પરિવર્તન લાવવાનો માર્ગ મોકળો કર્યો છે, મહિલાઓને સાથસહકાર આપવા અને પરિવર્તન લાવવા સભ્યોને અપીલ કરી છે. એક સંસ્થા તરીકે અમારો ઉદ્દેશ 1970ના દાયકાથી પુરુષ વંધ્યત્વની સમસ્યાનું સમાધાન કરવાનો છે.
એ સમયે તો આ મુદ્દા વિશે ચર્ચા જ થતી નહોતી અને મહિલાઓને જ વંધ્યત્વ માટે જવાબદાર ગણવામાં આવતી હતી. એક સંસ્થા તરીકે ઇન્દિરા આઇવીએફએ આ અંગે જાગૃતિ લાવવા અને જાણકારી પેદા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. કંપની સરકારના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ પહેલમાં અભિન્ન રીતે જોડાયેલી છે, જેમાં અમારા કેન્દ્રો સક્રિયપણે કાર્યક્રમો અને કેમ્પનું આયોજન કરે છે, જેથી વિવિધ રાજ્યોમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના અંસતુલિત રેશિયોમાં ઘટાડો કરી શકાય.
એક મેડિકલ પ્રેક્ટિશનર તરીકે હું મહિલાઓમાં વંધ્યત્વ સાથે સંકળાયેલી અનેક ખોટી ધારણાઓથી વાકેફ છું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે હું આ ખોટી ધારણાઓને હકીકતો સાથે અલગ કરવા ઇચ્છું છું. એક લોકપ્રિય પણ ખોટી ધારણા સમાજમાં ઘર કરી ગઈ છે – લાંબો સમય ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાથી વંધ્યત્વ આવે છે.
હકીકતમાં આ વાત સાચી નથી. પ્રજોત્પાદકતા પર ગર્ભનિરોધક ગોળીઓ કોઈ અસર કરતી નથી. મહિલાઓ 35 વર્ષની વય પછી પણ ગર્ભવતી બની શકે છે, પણ પછી પ્રજોત્પાદકતામાં ઘટાડાની શરૂઆત થાય છે એ વાતને ધ્યાનમાં રાખવી પડશે. આ જ વાત પુરુષોમાં પણ સાચી છે. સંશોધનોમાં પુરવાર થયું છે કે, ઉંમરની સાથે પ્રજોત્પાદકતામાં ઘટાડો થાય છે.
જ્યાં સુધી જાતિય સંબંધ જોગાનુજોગે અંડાણુઓ પેદા થવાના સમયે થાય છે, ત્યાં સુધી એની ફ્રીક્વન્સીને કોઈ સંબંધ નથી. ઘણી વાર દંપતિઓ એક બાળક ધરાવે છે, પણ પછી વંધ્યત્વનો અનુભવ કરે છે – આને ગૌણ વંધ્યત્વ કહેવામાં આવે છે. ઘણી વાર એવી ભલામણ પણ કરવામાં આવે છે કે, સામાન્ય રીતે મહિલાઓનાં સ્વાસ્થ્યને ગર્ભ ધારણ કરવા સાથે સંબંધ નથી. જોકે બહારના ઓછા તણાવ સાથે સ્વસ્થ જીવનશૈલી જાળવવાથી ગર્ભ ધારણ કરવામાં વધારે મદદ મળે છે.
દુનિયાભરમાં મહિલાઓએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મોટી હરણફાળ ભરી છે. જોકે વંધ્યત્વ સાથે જોડાયેલા સામાજિક કલંકને દૂર કરવામાં ફક્ત એક હિતધારક જોડાયેલા નથી. આને સમુદાયપ્રેરિત પહેલ બનાવવી પડશે, જે યથાવત્ સ્થિતિને પડકારશે અને મહિલાઓ સાથે ભેદભાવયુક્ત વલણમાં પરિવર્તન લાવશે.