કોરોના વેકસીનનું સર્ટિફિકેટ ઓનલાઈન અપલોડ કર્યુ છે, તો ચેતી જજો
ભૂતકાળમાં ફક્ત પાન કાર્ડ નંબરના આધારે એક વ્યક્તિને આશરે પંદર જેટલી બોગસ કંપનીઓનો ડિરેક્ટર બતાવી તેના નામે કરોડો રૂપિયાની લોન લઈ સાઇબર માફિયાઓએ ગુનો આચાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવી ચુક્યો છે.
વડોદરા: જાે તમે હાલમાં જ કોરોનાની વેક્સિન લીધી છે અને તમે પણ વેક્સિન લીધા બાદ અપાતું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું છે તો સાવધાન થઈ જજાે. કારણ કે તમારી આ એક પોસ્ટના કારણે તમારું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. હાલ દેશભરમાં કોરોના વેક્સિનેસનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વેક્સિન લીધા બાદ અપાતા સર્ટિફિકેટનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પરંતુ સાઇબર માફિયાઓથી અજાણ ઈન્ટરનેટ યુઝર્સને એ ખ્યાલ પણ નહીં હોય કે તેમની આ એક પોસ્ટની કિંમત લાખોમાં ચૂકવવી પડી શકે છે. જી હા આ ખુલાસો કર્યો છે. શહેરના સાઇબર એક્સપર્ટ મયુર ભૂસાવરકરએ તેમના જણાવ્યા અનુસાર વેક્સિન લીધા બાદ અપાતા સર્ટિફિકેટમાં વેક્સિન લેનારની તમામ વિગતો આપવમાં આવે છે.
જેમાં આધાર કાર્ડ તેમજ પાન કાર્ડનો પણ સમાવેશ થાય છે. જાે આ માહિતી સાઇબર માફિયાઓના હાથમાં લાગી જાય તો તેઓ આ ડેટાનો દુરઉપયોગ કરી શકે છે. સાઇબર એક્સપર્ટ મયુર ભૂસાવરકરના જણાવ્યા અનુસાર પહેલા વેક્સિન લીધા બાદ અપાતા સર્ટિફિકેટમાં નાગરિકની તમામ વિગતો સહિત આધારકાર્ડ તેમજ પાનકાર્ડની વિગતો જાહેર કરવામાં આવતી હતી.
પરંતુ કેટલીક રજૂઆતો બાદ આધારકાર્ડ નંબર તો સિક્યોર કરી દેવામાં આવ્યો પરંતુ આજે પણ સર્ટિફિકેટ પર પાનકાર્ડ નંબર જાહેર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલાક સાઇબર માફિયાઓ આ સર્ટિફિકેટ પર આપેલી તમામ વિગતોના આધારે હાઈ વેલ્યુ ટ્રાન્જેક્શન સહિત લોનમાં ગેરંટર તરીકે યુઝરના ડેટાનો દુરુપયોગ કરી લાખોનો ચૂનો ચોપડી શકે છે.
ભૂતકાળમાં ફક્ત પાન કાર્ડ નંબરના આધારે એક વ્યક્તિને આશરે પંદર જેટલી બોગસ કંપનીઓનો ડિરેક્ટર બતાવી તેના નામે કરોડો રૂપિયાની લોન લઈ સાઇબર માફિયાઓએ ગુનો આચાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવી ચુક્યો છે.
ત્યારે લોકોને વેક્સિન લીધા બાદના સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર અપલોડ ન કરવા સાઇબર એક્સપર્ટએ ચેતવણી આપી છે. પોતે વેક્સિન લીધી છે તેવું જણાવી સોશિયલ મીડિયા પર સર્ટિફિકેટનો ફોટો અપલોડ કરનાર યુઝર્સ એ હવે ચેતવાની જરૂર છે. કારણે કે યુઝરની એક નાની ભૂલ તેમને સાઇબર માફિયાઓનો શિકાર બનાવી શકે છે.