પક્ષીપ્રેમી સ્વયંસેવક યુવાનો દ્વારા ૧૦૦ જેટલા માળા તૈયાર કરાયા
“વિશ્વ ચકલી દિવસ”ની અનોખી ઉજવણી
દર વર્ષે ૨૦મી માર્ચના દિવસને “વિશ્વ ચકલી દિવસ” તરીકેની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી કરીને પક્ષીવિદો સહિત અન્ય લોકો દ્વારા ચકલીઓના સંવર્ધન માટેના સનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
આજના યુવાનો પણ પક્ષીઓના સંવર્ધન અને તેમની સંવેદનશીલતા પ્રત્યે જાગૃત બન્યા છે. યુવાનો આગળ આવીને સ્વયંભુ પક્ષીઓ પ્રત્યેની સંવેદનશીલતા દાખવી રહ્યા છે. તાજેતરમાં આવા જ એક યુથ સર્વે ફાઉન્ડેશન સ્વયંસેવી યુવકોના ગ્રુપ દ્વારા “વિશ્વ ચકલી દિવસ”ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ સેવા ભાવી સંસ્થાના ફાઉન્ડર વંદિત કાપકરે અન્ય સમાજસેવકોની મદદથી આશીયાના ઇવેન્ટનું આયોજન કર્યું હતુ. જેમાં તેઓએ રોપડા ગામની રોપડા પ્રાથમિક શાળામાં પંખીઓને રહેઠાળ મળી રહે તે હેતુથી ૧૦૦ જેટલા માળા (માટીના ગરબા) બનાવીને શાળાને ભેંટ કરવામાં આવ્યા હતા.
તેઓએ રોપડા ગામની શાળામાં ભણતા વિધાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી આ તમામ માટીના ગરબાને આકર્ષક અને નયનરમ્ય રંગરોગાન કરીને નવીન ઓપ આપ્યુ હતુ.
આ માળાઓ પંખીઓ માટેતો ઘર બની રહ્યું સાથે સાથે આ તમામ માટીના ગરબા પર વિદ્યાર્થીઓને રમતા-રમતા પાયાનું શિક્ષણ મળી રહે તે માટે હિન્દી અને ગુજરાતીમાં બારાક્ષરી , ABCD અને ૧ થી ૧૦૦ આંકના નંબર લખવામાં આવ્યા હતા.
આ તમામ તૈયાર થયેલ માળાને શાળાની આજુબાજુના વૃક્ષો તેમજ શાળાની પ્રાંગણમાં આવેલા વૃક્ષો પર લટકાવીને પ્રકૃતિપ્રેમી યુવાનો દ્વારા સકારાત્મક સંદેશો પાઠવવામાં આવ્યો હતો.