અમદાવાદ ઓપન ટેબલ ટેનિસમાં કૌશાએ ત્રણ સિદ્ધિ હાંસલ કરી, ધૈર્યએ બે ટાઇટલ જીત્યા
અભિલાષે રોમાંચક ઢબે જુનિયર ટાઇટલ જીત્યું
અમદાવાદ : બીજી ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં દેવ પટેલે પાંચ મેચ પોઇન્ટ બચાવ્યા હતા તેમ છતાં તે અભિલાષ રાવલને જુનિયર બોયઝ ટાઇટલ જીતતા રોકી શક્યો ન હતો. અહીંના સેંટ ઝેવિયર્સ લોયોલા હોલ ખાતે રમાયેલી ટુર્નામેન્ટમાં કૌશા ભૈરપૂરેએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને વિજયકૂચ આગળ ધપાવતાં ફરીથી ત્રેવડી સિદ્ધિ હાંસલ કરી હતી.
જુનિયર બોયઝની ફાઇનલમાં દેવ પટેલ 1-3થી પાછળ હતો અને પાંચમી ગેમમાં પરાજયને આરે આવી ગયો હતો કેમ કે અભિલાષ 10-6નો સ્કોર ધરાવતો હતો. જોકે દેવ પટેલે હાર માની ન હતી અને કેટલાક ફોરહેન્ડ વિનર્સ અને લાંબી સર્વિસ સાથે અભિલાષને મુંઝવણમાં મૂકી દીધો હતો. અભિલાષ દબાણમાં હતો અને પોઇન્ટ હાંસલ કરવા માટે મથી રહ્યો હતો. તેણે રિટર્ન શોટ નેટમાં નાખવાની ભૂલ પણ કરી હતી. દેવે પાંચમી ગેમ 13-11થી જીતી હતી અન ત્યાર પછીની ગેમ 11-3થી જીતીને મેચ સાત ગેમની કરી નાખી હતી.
નિર્ણાયક ગેમમાં રમત પર અંકુશ રાખવો જરૂરી હતો. તાજેતરમાં જ સ્ટેટ રેન્કિંગની ફાઇનલમાં રમેલા અભિલાષે આ વખતે મેદાન માર્યું હતું અને તેની તાકાત ટોપ સ્પિન હતી. દેવ દબાણને વશ થઈ ગયો હતો. અંતે અભિલાષે 11-7 11-5 13-11 9-11 11-13 9-11 11-5થી મેચ જીતી લીધી હતી.
દરમિયાન કૌશા ભૈરપૂરેએ તેણે ભાગ લીધો હોય તે તમામ કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા. તેણે જુનિયર ગર્લ્સ ફાઇનલમાં અનુષ્કા ચેટરજીને હરાવીને પોતાની હેટ્રિકનો પ્રારંભ કર્યો હતો. ફાઇનલ જીતવા માટે કૌશાને માત્ર 20 મિનિટ લાગી હતી જેમાં તેણે 11-6 14-12 11-4 11-8થી વિજય હાંસલ કર્યો હતો. આ જ બંને વચ્ચે યૂથ ગર્લ્સની ફાઇનલમાં પણ મુકાબલો થયો હતો જ્યાં કૌશાએ 11-5 11-8 11-4 11-9થી મેચ જીતીન ગોલ્ડ હાંસલ કર્યો હતો.
થોડી મિનિટ બાદવિમેન્સ ફાઇનલમાં કૌશાનો મુકાબલો તેની જ ક્લબની કવિશા શાહ સામે થયો હતો. પ્રથમ અને ત્રીજી ગેમમાં કવિશાએ થોડો પ્રતિકાર કર્યો હતો. જોકે કૌશાએ અત્યંત મજબૂત રમત દાખવીને વિમેન્સ ફાઇનલ 12-10 11-9 13-11 11-3થી જીતી લીધી હતી.
દરમિયાન ધૈર્ય પરમારે યૂથ બોયઝ અને મેન્સ ટાઇટલ જીત્યા હતા. મેન્સ ફાઇનલમાં તેણેઁ મોહનિશ દેડિયા સામે વિજય હાંસલ કર્યો હતો. મોહનિશે પ્રથમ ગેમ 11-8થી જીતીને સારી લડત આપી હતી કેમ કે તે એક સમયે 0-8થી પાછળ હતો. કમનસીબે માત્ર આ એક જ વાર તે ધૈર્ય. કરતાં આગળ રહ્યો હતો. અંતે ધૈર્યએ 8-11 11-6 11-9 11-914-12થી મેચ જીતી હતી.
અગાઉ ધૈર્યએ તેના પ્રેક્ટિસ પાર્ટનર રિયાન દત્તા સામે યૂથ બોયઝની ફાઇનલ 11-7 11-8 12-10 12-10થી જીતી હતી.
આવતા મહિને ત્રીજી અને અંતિમ ઓપન અમદાવાદ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુલમહોર ગ્રીન્સ ખાતે યોજાશે. તેને અંતે ગાંધીધામ ખાતે યોજાનારી આંતર જિલ્લા અને સ્ટેટ ચેમ્પિયનશિપ માટેની અમદાવાદની ટીમ પસંદ કરાશે.
તમામ ફાઇનલના પરિણામો
મિનિ કેડેટ ગર્લ્સ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ હિયા સિંઘ 11-4 14-12 3-11 13-11
બોયઝ વિહાન ત્રિવેદી જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-8 11-4 11-5
કેડેટ ગર્લ્સ મોબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ યાશિતા અગ્રવાલ 11-5 13-11 11-9 11-3
બોયઝ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ જૈનિલ મોદી 11-8 12-10 11-7 11-7
સબ જુનિયર
ગર્લ્સ આયૂષી મોદી જીત્યા વિરુદ્ધ જાન્યા પરીખ 11-8 11-6 6-11 11-6 10-12 11-4
બોયઝ અનુજ જોશી જીત્યા વિરુદ્ધ સુમિત નાયર 11-6 11-7 11-7 11-6
જુનિયર
ગર્લ્સ કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ અનુષ્કા ચેટરજી 11-6 14-12 11-4 11-8
બોયઝ અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ દેવ પટેલ 11-7 11-5 13-11 9-11 11-13 9-11 11-5
યૂથ ગર્લ્સ
કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ અનુષ્કા ચેટરજી 11-5 11-8 11-4 11-9
બોયઝ ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 11-7 11-8 12-10 12-10
વિમેન્સ કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ કવિશા શાહ 12-10 11-9 13-11 11-3
મેન્સ –ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ મોહનિશ દેડિયા 8-11 11-6 11-9 11-914-12