પિતાને ભોજન કરાવી અને દારૂ પિવડાવી સળગાવી દેતી યુવતી
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દીકરીએ પોતાના સગા બાપને જ કેરોસીન છાંટીને સળગાવી નાખ્યા હતા. આ સમગ્ર બનાવ ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને પોલીસે યુવતીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ ૨૨ વર્ષીય યુવતીએ પહેલા પોતાના પિતાને રેસ્ટોરામાં ભોજન કરાવ્યું હતું અને દારૂ પણ પીવડાવ્યો હતો. ત્યાર બાદ પિતા જ્યારે નશામાં ચૂર થઈ ગયા ત્યારે તેણે કથિત રીતે પિતાની હત્યા કરી દીધી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, યુવતી રવિવારે રાતે પોતાના પિતા સાથે રેસ્ટોરામાં ગઈ હતી અને ત્યાં તેણે પોતાના પિતાને દારૂ પણ પીવડાવ્યો હતો. બાદમાં તેઓ સ્ટ્રૈડ રોડ પર ફરવા નીકળ્યા હતા. યુવતીએ જણાવ્યું કે, જ્યારે તેના પિતા હુગલી નદીના કિનારે એક બેન્ચ પર સુઈ ગયા ત્યારે તેણે પિતા પર કેરોસીન નાખ્યુ હતું અને કથિત રીતે આગ લગાવી દીધી હતી.
પોલીસના દાવા પ્રમાણે યુવતીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેના કાકાએ નોંધાવેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તે જ્યારે નાની હતી ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પિતાએ તેનું ઉત્પીડન શરૂ કર્યું હતું જે તેના લગ્ન બાદ બંધ થયું હતું. ત્યાર બાદ તેના લગ્ન તૂટી જતાં તે ઘરે પાછી આવી હતી અને ત્યારથી ફરી ઉત્પીડનનો તબક્કો શરૂ થયો હતો. પોલીસ હાલ યુવતી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની ચકાસણી કરી રહી છે. યુવતીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કોર્ટે તેને ૨૯ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી.