જેતલસરમાં યુવતીના હત્યાના મામલામાં SITની રચના
રાજકોટ: જિલ્લાના જેતલસર ગામે ૧૬ વર્ષીય સગીરાની થયેલ હત્યા મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. તો સાથે જ આવતીકાલે આરોપી જયેશ સરવૈયા ના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માગણી સાથે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ગત ૧૬મી માર્ચના રોજ જેતલસર ની ૧૬ વર્ષીય દીકરીની છરીના તિક્ષણ ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપી જયેશ ગોરધન ભાઈ સરવૈયા ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા એક તરફા પ્રેમમાં સગીરાની હત્યા નિપજાવવામાં આવી હતી.
આરોપીને ઝડપી પાડી પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના ૫ દિવસના રિમાન્ડની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સગીરાની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા તેમજ સ્પેશિયલ પીપી નિમણૂક કરવામાં આવે. તો સાથોસાથ વહેલામાં વહેલી તકે પીડિતાના પરિવારને આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયા ની માંગણી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે તેમ જ આગામી સમયમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ની પણ નિમણૂક કરવામાં આવશે. ૧૬ વર્ષીય સગીરાની હત્યાના પડઘા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે.
ત્યારે સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડિયા સહિતના નેતાઓએ ભોગ બનનાર પરિવારની મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જેતલસર હત્યા કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના પી.આઇ અજય સિંહ ગોહિલ ને સોંપવામાં આવી છે.
સાત પોલીસ અધિકારી કર્મચારીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેસને વધુ મજબૂત કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરશે. એસઆઇટીની ટીમ ને જેતપુર વિભાગના એસપી સાગર બાગમાર માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે આરોપીએ રિમાન્ડ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, સગીરાની હત્યા માટે તે છરી વિરપુર થી ખરીદી કરીને લાવ્યો હતો. આરોપીને અગાઉ જ્યારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે બાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.