ધુળેટી પર્વે નિકોલનો ભાતીગળ મેળો આ વખતે નહીં યોજાય
અમદાવાદ: અમદાવાદમાં ધુળેટીના પર્વે ૩૦૦ વર્ષ જૂની પરંપરાને આ વખતે બ્રેક વાગશે તે નક્કી છે. શહેરના નિકોલ ગામમાં ૩૦૦ વર્ષથી યોજાતો વસંતોત્સવ ધૂળેટીનો મેળો આ વર્ષે પ્રથમ વખત નહીં યોજવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. લોકોની જાણકારી અને જાગૃતતા માટે નિકોલ વિસ્તારમાં જગ્યાએ જગ્યાએ બેનર લગાવવામાં આવ્યા છે. કોરોનાના વધતાં કેસોનું ગ્રહણ હવે તહેવારો પર લાગ્યુ છે. જેની સીધી અસર હોળીના તહેવાર પર પણ પડી છે. રાજ્ય સરકારે કોરોનાનુ સંક્રમણ વધતા ધુળેટીની ઉજવણી કરવા પર રોક લગાવી દીધી છે ત્યારે નિકોલમાં છેલ્લા ૩૦૦થી પણ વધુ વર્ષોથી ઉજવાતા પારંપરિક અને ભાતીગળ વસંતોત્સવ મેળો મોકુફ રાખવામા આવ્યો છે.
મેળામા દર વર્ષે ૫૦ હજારથી વધુ લોકો મુલાકાત લેતા હોય છે. પરંતુ વર્ષો જૂની આ પરંપરા આ વખતે તૂટશે તે નક્કી છે. નિકોલ ગામના ખોડિયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ કહે છે કે વણઝારા સમાજના લોકોએ નિકોલમાંથી પસાર થતી વખતે પાણીની તંગી દુર કરવા માટે તળાવ બનાવ્યુ હતું. આ લોકવાયકાને ધ્યાને વણઝારાની કલાત્મક વેશભુષા ધારણ કરીને છેલ્લા ૩૦૦થી પણ વધુ વર્ષોથી ધુળેટીના પર્વે નિકોલ ગામમાં ખોડિયાર માતાના મંદીર પાસે વસંતોત્સવ મેળાનુ આયોજન કરવામા આવે છે
પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ મેળો મોકુફ રાખવાનો ર્નિણય ગ્રામજનો દ્વારા કરવામા આવ્યો છે અને આ મામલે કમિટીની બેઠક બાદ ર્નિણય લેવામા આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર એવુ બનવા જઇ રહ્યુ છે કે આ મેળો ધુળેટીના પર્વે યોજવામા નહી આવે. મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલ બાબુભાઇ ઠાકોર જણાવે છે કે મેળાની મુખ્ય ખાસિયતની વાત કરવામા આવે તો મેળામા ચાર વિવિધ કળાઓ કરવામા આવતી હોય છે
જેમા પારંપરિક અખાડાના દાવપેચ યોજાય છે. સાથે સાથે ઓળા રમત અને વણઝારા રમત યોજાય છે જેમાં લોકો વણઝારાની વેશભુષા માતાજીનો અવતાર બનીને આવે છે. ઉપરાંત રાત્રીના સમયે નાટકનું આયોજન પણ કરવામા આવે છે. આ મેળામાં ૭૦ જેટલા કલાત્મક ઝંડા તૈયાર કરવામા આવે છે પરંતુ કોરોનાને કારણે આ વર્ષે ફક્ત ૧૧ જ ઝંડા તૈયાર કરીને કરવટુ કરવામા આવશે. હાલ તો ટ્રસ્ટ દ્વારા સંક્રમણને ધ્યાનમાં રાખીને મેળો મોકુફ રાખ્યો છે અને તેઓએ નિકોલવાસીઓને પણ અપીલ કરી છે લોકો પોતાના સગા સંબંધીઓને મેળામા ન લાવે.