આરોગ્ય સેવા પર વધુ વજન આપતું અમદાવાદનું રૂ. ૭૪૭૫ કરોડનું બજેટ
૨૦૨૧-૨૨ના વર્ષનું અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
અમદાવાદ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ એએમસી કમિશનર મુકેશ કુમારે ૭૪૭૫ કરોડનું બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોને રાહત આપતાં સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ગત વર્ષ કરતા રૂ. ૧૪૩૨ કરોડના ઘટાડા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે પૂર્વ એએમસી કમિશનર વિજય નહેરાએ ૯૬૮૫ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું ૭,૪૭૫ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે.
૨૦૨૦-૨૧ના બજેટના ૯,૬૮૫ કરોડ રૂપિયાની સરખામણીએ આ વખતું બજેટ ૨૨.૮% ઘટ્યું છે. બજેટમાં કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જાે કે, મેડિકલ ક્ષેત્ર પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ૧૨૦ કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલ, ૯૫ કરોડના ખર્ચે શારદાબેન હોસ્પિટલ અને ૧૧૫ કરોડના ખર્ચે એલજી હોસ્પિટલુનું નવીનીકરણ કરાશે.
૨૦૨૧-૨૨નાં બજેટની વિશેષતાઓ પર નજર નાખવામાં આવે તો મેડિકલ ક્ષેત્ર પર વધુ વજન મુકાયું છે જેમાં ૧૨૦ કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલનું નવીનીકરણ, ૯૫ કરોડના ખર્ચે શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ,૧૧૫ કરોડના ખર્ચે એલ.જી હોસ્પિટલનું નવીનીકરણ કરાશે. ૧૧ નવા અર્બન હેલ્થ સેન્ટર્સ માટે ૧૫ કરોડની ફાળવણી કરાઈ.
વસ્ત્રાલ વોર્ડમાં બનાવવામાં આવનાર ૩૦ બેડની હોસ્પિટલનું ૧૦૦ બેડની હોસ્પિટલમાં અપગ્રેડેશન કરાશે. રાયખડ, સરખેજ, બોપલ, કુબેરનગર, ગોતા, વેજલપુર, મોટેરા, વટવા, વસ્ત્રાલ, નરોડા, અમરાઈવાડીમા નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે. અર્બન ટ્રાન્સપોર્ટેશનને વધુ લોકો માટે ઉપયોગી બનાવવા એએમટીએની ૯૦૦ બસ રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પુરી પાડે છે. જેમાં હવે નવી ૧૫૦ બસો લેવાનું આયોજન છે. ૧૫૦ જેટલી ઈલેક્ટ્રિક એસી બસો ખરીદાશે.
૭ કરોડના ખર્ચે સેન્સર સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ બનાવાશે. નારણપુરા તથા વસ્ત્રાલમાં ઈ-બસો માટેના ચાર્જિંગ અને પાર્કિંગ ડેપો બનાવાશે. ૨૩.૭૫ કરોડના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સ્કૂલ બનાવવાનું આયોજન. રામોલ, હાથીજણ અને વિનોબાભાવે નગર પાસે તથા વસ્ત્રાલમાં મોડેલ સ્કૂલ બનાવવાનું આયોજન. બહેરામપુરામાં સ્કૂલ બનાવવાનું કામ પ્રગતિમાં છે. શહેરમાં ૩૦ કરોડના ખર્ચે બગીચાના કામ થશે. નવા ૧૪ બગીચા ડેવલોપ કરાશે.
૧૫ હયાત બગીચાનું નવીનીકરણ. ૫.૨૦ કરોડના ખર્ચે સરખેજ વોર્ડમાં મકરબાથી ટોરેન્ટ ક્રોસિંગ સુધી સિન્ટેથિક ગાર્ડન બનાવાશે. બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજીકલ પાર્ક તૈયાર કરાશે. શહેરમાં ૧૦ તળાવોનું ડેવલપમેન્ટ કરાશે. ૨૪ કરોડના ખર્ચે શહેરમાં તળાવોના કામ થશે. ગોતા, સોલા, ઉગતી તળાવ, અસારવા, ગોટીલા તળાવ, નિકોલમાં તળાવ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
કોમ્યુનિટી હોલ/ઓડિટોરિયમની વાત કરવામાં આવે તો ૩૦ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ/ઓડિટોરિયમ બનાવાશે. ચાંદખેડા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનશે. ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનશે. સાંઈ ઝુલેલાલ ઓડિટોરિયમ કમ બેન્કવેટ હોલ બનશે. પાણી માટે બોપલ- ઘુમા, કઠવાડા, ચિલોડા માટે વોટર, ડ્રેનેજ, રોડ જેવી માળખાગત સુવિધા માટે ૧૧૦ કરોડની ફાળવણી કરાઈ છે. ૧૬ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનશે.
આવાસને લાગે વળગે છે ત્યાં સુધી શહેરમાં નવા ૨૦૪૮૯ નવા આવાસો બનાવાશે, જેમાં ઈડબલ્યુએસ-૧ ( ૩૦ ચો.મી. સુધી) ૪,૭૭૨ અને ઈડબલ્યુએસ-૨ કેટેગરીમાં (૩૦થી વધુ ૪૦ ચોમી સુધી) ૧૫૭૧૭ આવાસો બનશે. રોડ અને ડ્રેનેજની વાત કરાય તો ઘોડાસર, સત્તાધાર ક્રોસરોડ, પલ્લવ-પ્રગતિનગર અને નરોડા પાટિયામાં ફ્લાય ઓવર બનાવાશે. ૪૫ કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તાર માટે નવા ૨૦ કિ.મીના રોડ બનાવવાનું આયોજન.
ચાલુ વર્ષમાં ૪૫ કિ.મીના નવા રોડ ખુલ્લા મુકવાનું આયોજન. ૨૦ કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તારમાં એસટીપી અને એસપીએસ બનાવવાનું આયોજન. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષનું બજેટ રજૂ થયા બાદ કોરોના અને લોકડાઉન સહિત અનેક આપત્તિ આવી પડી, જેના કારણે મ્યુનિસિપલના મોટાભાગના નાણા કોરોના સામે જંગ લડવામાં જ ખર્ચાઈ ગયા છે. એટલું જ નહીં, આવક-જાવકના અંદાજ પણ સરભર થઈ શક્યા નથી.