ચાલુ એમ્બ્યુલન્સમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં કોરોનાગ્રસ્ત આરોપીનું મોત
કતારગામમાં વાહન ચોરીના ઝડપાયો હતો આરોપી
(પ્રતિનિધિ) સુરત, અમરોલી પોલીસના જાપ્તા વચ્ચે કોરોનાગ્રસ્ત આરોપી ગઈકાલે રાત્રે ચાલુ એમ્બ્યુલન્સમાંથી કુદી પડતાં આજે સવારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. વાહન ચોરીના આરોપમાં ઝડપાયેલા ઈસમની ધરપકડ બાદ તેનો રિર્પોટ કઢાવવામાં આવતાં આરોપી કોરોના પોઝીટીવ નીકળ્યો હતો.
જેને પગલે ગત રાત્રે તેને પોલીસ બંદોબસ્ત વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, આ દરમ્યાન નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને આજે સવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મોટા વરાછા ખાતે સનરાઈસ કોમ્પલેક્ષ પાસે રહેતા 24 વર્ષીય દિવાન નાથુભાઈ ભાંભોરને વાહન ચોરીના આરોપસર પોલીસે ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરતાં પહેલા પોલીસ દ્વારા દિવાન ભાંભોરનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવતાં તે પોઝીટીવ નીકળ્યો હતો.
જેથી પોલીસ દ્વારા ગત રાત્રે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ જાપ્તા વચ્ચે આરોપીએ નાસી છૂટવા માટે કતારગામ નિલમ પેટ્રોલ પાસે ચાલુ એમ્બ્યુલન્સમાંથી કુદકો મારી દીધો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.