મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ માટે રૂા.૭૬પ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ
બજેટની ૮૬.પ૮ ટકા રકમ પગાર-પેન્શન માટે ખર્ચ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે શાસનાધિકારી દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૧-રરનું રૂા.૭.૬પ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતુ. નાણાકીય ર૦ર૦-ર૧ કરતા આગામી નાણાકીય વર્ષના ડ્રાફટ બજેટમાં રૂા.૬૭ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્કુલબોર્ડના શાસનાધિકારી ડો. લબ્ધીર દેસાઈએ બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે ર૦ર૦-ર૧ માટે રૂા.૬૯૮ કરોડનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું જેમા રૂા.૬૭ કરોડનો વધારો કરી ર૦ર૧-રરનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં બજેટના ૮૬.પ૮ ટકા રકમ પગાર અને સ્થાયી ખર્ચ માટે ફાળવવામાં આવી છે.
શાળા તથા ઓફીસને લગતી પ્રવૃતિ માટે ૬.૪ર ટકા રકમ ખર્ચ કરવામાં આવશે જયારે વિદ્યાર્થી વિકાસ ખર્ચ અને શૈક્ષણિક પ્રવૃતિ માટે રૂા.પ૩.પ૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જે કુલ બજેટના સાત ટકા થશે. આગામી નાણાકીય વર્ષમાં રાજય સરકાર તરફથી રૂા.પર૩.રપ કરોડ અને મ્યુનિ. કોર્પોરેશન તરફથી રૂા.ર૪૧.૭પ કરોડની ગ્રાન્ટ મળવાનો અંદાજ છે. ર૦ર૧-રર ના વર્ષમાં રૂા.૬પ૪.૦૭ કરોડ ગ્રાન્ટેબલ ખર્ચ થશે
જેની સામે રૂા.૧૧૦.૯૩ કરોડ નોન ગ્રાન્ટેબલ ખર્ચ રહેશે. સ્કુલબોર્ડના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે કોમન યુનિફોર્મ માટે રૂા.૧ર કરોડ ફાળવવામાં આવ્યા છે. શાળા નવીનીકરણ માટે રૂા.૧૦ કરોડ, મ્યુનિ. શાળાઓની ઓળખ ઉભી કરવા યુનિવર્સલ કલર માટે રૂા.પાંચ કરોડ તેમજ મધ્યાહન ભોજન શેડ બનાવવા માટે રૂા.ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા છે.
નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં રૂા.૬૯૮ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ જેની સામે ડીસેમ્બર- ર૦ર૦ સુધી રૂા.૩૯ર કરોડનો ખર્ચ થયો છે. માર્ચ-ર૦ર૧ સુધી પગાર-પેન્શન માટે રૂા.૧૧૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કોરોના મહામારી દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ શાળાની આસપાસના વિસ્તારમાં પેમ્ફલેટ વિતરણની કામગીરી કરી હતી
સાથે સાથે ડોર-ટુ-ડોર સરવે કરી શંકાસ્પદ દર્દીઓની માહિતી એકત્રિત કરી હતી. રાજય સરકારની સુચના મુજબ રેશનકાર્ડ ન હોય તેવા લોકોને શોધી એપ્રિલ-ર૦ર૦માં અનાજ વિતરણની કામગીરી પણ કરવામાં આવી હતી મ્યુનિ. સ્કુલબોર્ડના શિક્ષકો તથા પેન્સર્શ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂા.૧.૧પ કરોડનો ફાળો આપવામાં આવ્યો હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.