ભરૂચમાં કોરોનાની મહામારીમાં વૈદિક હોળી: ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોળી પ્રજવલિત કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/vlcsnap-2021-03-27-12h07m41s305-1024x565.png)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર ભરૂચ શહેર જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયના ગોબર માંથી તથા વિવિધ આયુર્વેદિક સામગ્રી માંથી તૈયાર કરેલ વૈદિક સ્ટીક થી હોળી પ્રગટાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં હોળી પ્રગટાવવા માટે લાકડાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે અને હજારો ટન લાકડાનું વેચાણ થતું હોય છે.જેથી હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન થતું હોય છે.જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે.
પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોના જેવી મહામારીના કારણે વૈદિક હોળી તરફ લોકો વળ્યા છે.છેલ્લા એક વર્ષ થી કોરોનાની મહામારી થી લોકો પીડાઈ રહ્યા છે.જેના કારણે લોકો પણ હવે કોરોના જેવી મહામારી થી બચવા માટે વિવિધ ઉપાયો શોધી રહ્યા છે.
જેમાં હોળીકા દહનમાં લાકડાનો ઉપયોગ કરવાના બદલે ગાયના ગોબર માંથી તૈયાર થતી પ્રદુષણ મુક્ત સ્ટીકનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે.ભરૂચની સેવાભાવી સંસ્થા સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા વિવિધ વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રગટાવવામાં આવતી હોળી માટે ગાયના ગોબર માંથી તૈયાર થતી પ્રદુષણ મુક્ત સ્ટીકનો ઉપયોગ કરવા માટે શહેર ની ૧૨૫ જેટલી સોસાયટીઓ માં ૧૦ હજાર કરતા વધુ સ્ટીક તૈયાર કરી તેનું વેચાણ કર્યું છે અને સાથે સાથે અપીલ પણ કરાઈ રહી છે.જેથી પર્યાવરણ સુધારવા સાથે ગૌશાળા પણ સમૃદ્ધ થશે.
ભરૂચના કેટલાક પર્યાવરણ પ્રેમી લોકો પણ હવે વૈદિક હોળી તરફ વળી રહ્યા છે અને વૈદિક હોળીની જરૂરિયાતને સમયની માંગ હોવાનું માની રહ્યા છે. વૈદિક હોળી તરફ લોકોના ધ્યાન કેન્દ્રિત થાય અને ભરૂચને પ્રદૂષણ મુક્ત કરવાના સંકલ્પ સાથે વૈદિક હોળીનું મહત્વ લોકો સમજતા થાય અને તે માટેના સંકલ્પ કરે તે જરૂરી છે.