ગવાર અને ચોળીના પોટલાં ચોરી બે શખ્સ રીક્ષામાં ફરાર
સામાન્ય રીતે મોબાઇલ, વસ્તુઓ, રોકડ રકમ કે સોનાની વસ્તુઓની ચોરી થતી હોવાની ઘટના જાેવા મળતી હોય છે
અમદાવાદ, સામાન્ય રીતે મોબાઇલ ફોન, વસ્તુઓ, રોકડ રકમ કે સોનાની વસ્તુઓની ચોરી થતી હોવાની ઘટનાઓ જાેવા મળતી હોય છે. પરંતુ બે દિવસમાં અમદાવાદમાં અલગ જ ચોરીના બનાવ બન્યા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી અજાણી વ્યક્તિ કોરોના ટેસ્ટની કિટની ૧૬ બોક્સની ચોરી કરી ગાડીમાં ફરાર થઈ ગયો હતો.
જ્યારે જમાલપુર વર્કશોપ પાસે સુરતના એક ગામેથી શાકભાજી વેચવા આવેલા શખ્સની ગાડીમાંથી ગવાર અને ચોળીના પોટલાં ચોરી બે શખ્સ રીક્ષામાં ફરાર થઈ ગયા હતા. બંને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કોરોનાના કેસો અમદાવાદમાં સતત વધી રહ્યાં છે.
કોરોનાના ટેસ્ટિંગ વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે કોરોના ના ટેસ્ટ માટે જે કીટ આવે છે તે જે તે અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. ઘાટલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે જ્યાં કોરોનાના ટેસ્ટિંગ માટે કીટ લાવીને રાખવામાં આવે છે. ઘાટલોડિયા વોર્ડ અને આસપાસના વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ડોમમાં આ કીટ હેલ્થ સેન્ટર પરથી પહોંચાડવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસથી કોરોના ટેસ્ટની કીટ લાવી રાખી હતી.
ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર ૯માં રાખેલી ટેસ્ટિંગ કીટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી લઈ બહાર નીકળ્યો છે. જેથી ડોકટરો અને સ્ટાફે પીછો કરતા શખ્સ ભાગવા લાગ્યો હતો અને ગાંધીનગર પાસિંગની એક અલ્ટો કારમાં બેસી સતાધાર ચાર રસ્તા તરફ ફરાર થઈ ગયો હતો.
આસપાસના અર્બન હેલ્થ સેન્ટરમાં કીટ લઈ જવા બાબતે પૂછતાં તેઓ નથી લઈ ગયા કહ્યું હતું. કોરોના ટેસ્ટિંગ કિટના ૧૬ જેટલા બોક્સ ચોરી કરી ફરાર થઈ જતા. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. પવન પટેલે આ મામલે ચોરીની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જ્યારે શાકભાજી ની ચોરીની ઘટનાની વાત કરીએ તો તાપીના કટાસણ ગામે રહેતા આશિષ ગામીત ભાડે ગાડીના ફેરા કરે છે. બે દિવસ પહેલા સુરતના કિમડુંગરા ગામેથી તરુણ ચૌધરીનું ગવારનું શાકભાજી બોલેરો ગાડીમાં ભરી અમદાવાદ જમાલપુર માર્કેટ માં વેચવા ડ્રાઇવર સાથે આશિષ આવ્યો હતો.
મોડી રાતે ત્રણ વાગ્યે જમાલપુર બસ વર્કશોપ બહાર ઉભી રાખી તેઓએ ગાડીમાં બેઠા હતા. દરમિયાનમાં બે શખ્સ રીક્ષા લઈને આવ્યા હતા. બંને ગાડીના પાછળ ચડી અને રીક્ષામાં શાકભાજીના પોટલાં ભરતા હતા. આ ચોરી કરતા ડ્રાઇવર જાેઈ જતાં તેઓને રોક્યા હતા. બંને શખસોએ ઝપાઝપી કરી હાથમાંથી પોટલા ઝુંટ્વી નાસી ગયા હતા. ગવારના ચોળીના કુલ ૬ પોટલાં ચોરી ફરાર થઈ જતાં ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.