પતિએ પત્નીના દસ્તાવેજો પરથી ફેક ડોક્યુમેન્ટ બનાવી બેંકોમાંથી લોન લીધી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના
અમદાવાદ, લગ્ન બાદ પત્નીના મને એવું હોય કે પતિ તેને સારી રીતે ને ખુશ રાખે. પણ ચાંદખેડા પોલીસસ્ટેશન માં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કહાની સાંભળીને જ મહિલા પર દયા આવે. એક પતિએ તેની જ પત્નીના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.
આટલું જ નહીં અનેક બેંકોમાંથી તે ડોક્યુમેન્ટ પર અનેક લોન પણ મેળવી લીધી હતી. એક વાર આ મહિલાની પુત્રી પતિના ટેબ્લેટમાં રમતી હતી ત્યારે પત્નીને આ ઘટનાઓની જાણ થઈ અને આખરે પતિ સામે બીજી ફરીયાદ નોંધાવી છે. મૂળ ઝારખંડની અને હાલ ગોતામાં રહેતી ૨૭ વર્ષીય યુવતી એક હોસ્પિટલમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
તેના લગ્ન મેટ્રીમોનિયલ સાઇટ થકી દિલ્હીના એક યુવક સાથે વર્ષ ૨૦૧૪માં થયાં હતાં. વર્ષ ૨૦૧૪માં તેના પતિએ જણાવ્યુ કે તે દિલ્હી ખાતે એક બેંકમાં નોકરી કરે છે જેથી લગ્ન બાદ યુવતીનો પતિ તેને દિલ્હી ખાતે લઇ ગયો હતો. ત્યાં પતિએ પત્નીને જણાવ્યુ કે તેને ઘરના કોઇ સભ્ય સાથે વાતચીત કરવી નહીં અને તે શું કામ કરે છે તે જાણવાની કોશિશ પણ કરવી નહીં.
બાદમાં આ યુવતીનો પતિ, દિયર અને નણંદ ત્રણેય લોકો એક રૂમ બંધ કરીને કમ્યુટરમાં કઇંક કામકાજ કરતા હતાં જેથી પતિ બેંકમાં નોકરી કરતો હોવાથી તે બાબતનું કામ કરતો હોવાનું આ યુવતીએ માન્યું હતું અને આવું ઘણાં વર્ષો સુધા ચાલ્યું હતું. બાદમાં યુવતીએ તેના પતિને કામ બાબતે પૂછતાં માર માર્યો હતો.
જ્યારે યુવતીને પિયરથી કોઇનો ફોન આવે ત્યારે તેને તેનો પતિ વાત પણ કરવા દેતો નહીં અને ફોન પણ રાખવા દેતો નહીં. વર્ષ ૨૦૧૮માં યુવતીનો પતિ દીકરી સાથે ગુજરાત ફરવા જવાનું કહીને ચાંદખેડા લાવ્યો હતો. અને યુવતીના દિયર સાથે કઇંપણ કહ્યા વગર રહેવા જતો રહ્યો હતો.
યુવતીનો પતિ ૬ મહિના તેના દિયરના ઘરે રોકાયો હતો અને યુવતી દિલ્હી પરત જવાનું કહે તો તેને તેનો પતિ માર મારતો હતો. વર્ષ ૨૦૧૯માં જ્યારે આ દંપતી દીકરી સાથે દિલ્હી ગયું હતું, ત્યારે તેમની પુત્રી ટેબલેટથી રમતી હતી. તે દરમિયાન યુવતીએ ટેબલેટ ચેક કરતા તેના જ ડોક્યુમેન્ટ જેવા કે ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યાં હતાં.
આ તમામ ડોક્યુમેન્ટ્સમાં ફોટો યુવતીનો હતો પરંતુ તેમાં નામ કોઇ અલગ-અલગ વ્યક્તિના હતાં. આટલું જ નહીં યુવતીના નામની ઇનકમ ટેક્સ ર્રિટનની ફાઇલ પણ હતી અને તેના પતિના ડોક્યુમેન્ટ પણ હતાં.