ગાંધીનગર સરકીટ હાઉસમાં ૧૫ વ્યક્તિ કોરોના સંક્રમિત
ગાંધીનગર, એક તરફ ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણી ઘોષિત થઇ ચૂકી છે. આચાર સંહીતા લાગુ થઇ ચૂકી છેને બીજી તરફ કોરોનાનો ફેલાવો અહીંયા દિનપ્રતિદિન વધી રહ્યો છે. સતત કોરોનાના નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરના જે કોરોના ટેસ્ટ યુનિટોમાં એક સમયે કાગડા ઉડતા હતા ત્યાં આજે લાંબી લાંબી કતારો જાેવા મળી હતી.
સેકટર -૨૧ના કોરોના ટેસ્ટ સેન્ટરમાં તો ટેસ્ટિંગ માટે લગભગ એક કિલોમીટર લાંબી લાઇનો જાેવા મળી હતી. તો બીજી તરફ ગાંધીનગરમાં જ્યાં નેતાઓ અને વીવીઆઇપી અધિકારીઓ રોકાય છે અને બેઠકો કરે છે તે સર્કિટ હાઉસમાં મેનેજર સહિત ૧૫ કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.
સર્કિટ હાઉસમાં સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. તમામ કર્મચારીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. રસોઇયા સહિત સ્ટાફ મેનેજર હાલ તો હોમ આઇસોલેટ કરાયા છે. આ ઉપરાંત ગાંધીનગર સરકીટ હાઉસની ખાણીપીણીની તમામ સુવિધાઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.