કોરોનાના કેસો વધતાં મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ બંધ કરાઈ
તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કરાયું જેમણે ટિકિટ બુક કરાવી છે, તેમની કેન્સલ કરી દેવાઈ
મુંબઈ, કોરોના વાયરસના વધતા સંક્રમણનો માર ટ્રેનોના સંચાલન ઉપર પણ પડવા લાગ્યો છે. ભારતીય રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કર્યું છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે કોવિડ ૧૯ના વધતા કેસ જાેતા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન(૮૨૯૦૨/૮૨૯૦૧) ને બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે જે લોકોએ તેજસ ટ્રેન માટે ટિકિટ બુક કરાવી છે, તેમને કેન્સલ કરી દેવાઈ છે. તેની સૂચના મુસાફરોને આપી દેવાઈ છે અને તેમના પૈસા પણ પાછા આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદ ભારતીય રેલવેએ તમામ ટ્રેનોને રદ કરવામાં આવી હતી અને તેજસ ટ્રેન ઓક્ટોબર સુધી બંધ રહી.
ઓક્ટોબરમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓછા પેસેન્જર્સના કારણે તેને નવેમ્બરમાં બંધ કરી દેવાઈ અને ત્યારબાદ તેને આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ શરૂ કરાઈ હતી. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૪૩,૧૮૩ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે.
આ પહેલા ૨૮ માર્ચે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૪૦,૪૧૪ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી ૨૪૯ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨૮ લાખ ૫૬ હજાર ૧૬૩ લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી ૨૪ લાખ ૩૩ હજાર ૩૬૮ લોકો સાજા થયા છે. ૫૪,૮૯૮ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સમયે ૩,૬૬,૫૩૩ લોકોની સારવાર ચાલી રહી છે.