દેશમાં એક દિવસમાં ૩૬.૭૧ લાખ લોકોને વેક્સિન લગાવાઈ

પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે. કાલે એક જ દિવસમાં ૩૬,૭૧,૨૪૨ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી, જે એક રેકોર્ડ છે. દેશમાં ૧ એપ્રિલ સુધી ૬,૮૭,૮૯,૧૩૮ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી છે. કોરોના વિરુદ્ધ કેન્દ્ર સરકારે અભિયાન ઝડપી બનાવ્યું છે. અપ્રિલમાં સરકારી રજાઓમાં પણ દરેક સેન્ટરે કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. બીજી બાજુ, દેશમાં એક દિવસમાં કોરોનાના ૮૧,૪૬૬ નવા કેસ સામે આવ્યા છે.
આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૦૩,૧૩૧ થઇ ગઇ છે. જ્યારે ૪૬૯ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે દેશમાં હાલ ૬,૧૪,૬૯૬ લોકોની સારવાર ચાલી રહી છે અને ૧,૧૫,૨૫,૦૩૯ લોકો સંક્રમણ મુક્ત થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૩૫૬ લોકોએ કોરોનાને માત આપી.
મોતના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી ૧૬૩૩૯૬ લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના રસીની વાત કરીએ તો રસીકરણના હાલના તબક્કે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ છે.
કેન્દ્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વર્ગના લોકોને ૧૫ દિવસની અંદર રસી લગાવવાનું કહ્યું છે. જાે કે, કેટલાક લોકોને અત્યાર સુધી રસી લાગી પણ ચૂકી છે. કેમ કે, સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં પણ આ ઉંમરના લોકો સામેલ છે.