નરોડામાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. જાેકે, કેટલીક જગ્યાએ સ્પાના નામે ગેરકાયદે દેહવેપારનો ધંધો પણ ચાલે છે. તાજેતરમાં સોલા પોલીસે રોડ પર બીભત્સ ચેનચાળા કરતી ૧૫ રૂપલલનાઓની પણ ધરપકડ કરી હતી. જે બાદમાં પોલીસે નરોડામાંથી એક દેહવેપારના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે ફરીથી નરોડા વિસ્તારમાં જ પોલીસે સ્પાની આડમાં દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે નરોડા પોલીસને માહિતી મળી હતી કે ગેલેક્સી એવન્યૂ કોમ્પ્લેક્સમાં સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો છે. પોલીસે તપાસ કરતા માહી સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર અને એક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે આ લોકો સામે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ ૩,૪,૫,૭ મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી દેહવેપારનું રેકેટ ચલાવી રહ્યા હતા. તેમજ અન્ય યુવતીઓને સ્પામાં બોલાવવામાં આવતી હતી કે કેમ?
આ પહેલા સામે આવેલા કેસમાં પોલીસે સ્પા સંચાલક અને મહિલા મેનેજરની ધરપકડ કરી હતી. નરોડા પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલા નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નંબર-૨૨માં આવેલા આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર ભેગા મળીને પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડુતી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતી હતી. આ માટે તેઓ યુવતીઓને એક ગ્રાહક દીઠ ૩૦૦ રૂપિયા આપતા હતા. બંને યુવતીઓને સ્પામાં રાખી બહારથી પુરુષો ગ્રાહકોને બોલાવતા હતા. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા સ્પા મલિક અને મેનેજરની ધરપકડ કરી હતી. સાથે અહીંથી પાંચ યુવતીઓ મળી આવી હતી.