આમોદ નગર સહિત પંથકમાં કોરોના કેસ વધતા લોકોમાં ફફડતા છતાં તંત્ર બેફિકર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગર સહિત તાલુકામાં કોરોના કેસો વધતા લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ઉદ્દભવી છે.આમોદ નગરમાં અનેક સોસાયટી તેમજ મહોલ્લામાં કોરોના પોઝીટીવ કેસો વધી રહ્યા છે.તંત્ર દ્વારા તેમને માત્ર પોતાના ઘરે જ હોમ આઇસોલેશન કરી સંતોષ માની રહ્યું છે.પરંતુ તેમના ઘરના સભ્યો ખુલ્લેઆમ બજારમાં તેમજ અન્ય ભીડભાળવાળી જાહેર જગ્યાએ દેખાઈ રહ્યા છે ત્યારે અન્ય લોકો કોરોના સંક્રમિત થાય તો જવાબદાર કોણ? તે ચિતાનો વિષય બનવા પામ્યો છે
આ ઉપરાંત લોકો પણ બજારમાં માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે.જેથી તંત્ર દ્વારા આવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
હોમ આઇસોલેશન હેઠળ રાખેલા કોરોના પોઝીટીવ વ્યક્તિઓ ઉપર તંત્રની કોઈ દેખરેખ ના હોય તેઓ પણ અન્ય લોકોને સંક્રમિત કરી બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.શ્રીમંત વ્યક્તિઓની ત્યાં અલગ રૂમ તેમજ બીજી અન્ય સુવિધાઓ હોય છે. પંરતુ પછાત વિસ્તારો તેમજ મહોલ્લામાં રહેતા લોકોના ઘરે અલગ રૂમ કે અન્ય શૌચાલયની પણ સુવિધા ના હોય ત્યારે તંત્ર દ્વારા ફરીથી ફેસિલિટી કોરોન્ટાઈનની સુવિધા પૂરી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે.